ગુજરાતના જળાશયોમાં આશાજનક જળસંગ્રહ: સરદાર સરોવર ડેમમાં 53% થી વધુ પાણી

અમદાવાદ, 10 જૂન: રાજ્યમાં મોનસૂનના આગમનની ઘડીઓ નજીક છે ત્યારે છેલ્લા વર્ષના સાર્વત્રિક અને પર્યાપ્ત વરસાદના પરિણામે ગુજરાતના મોટા ભાગના જળાશયોમાં હાલમાં જળસંગ્રહની સ્થિતિ હકારાત્મક છે. ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ હાલ 53.04 ટકા પાણી સાથે ભરાયેલો છે, જ્યારે રાજ્યના કુલ 207 જળાશયોમાં સરેરાશ 44.18 ટકા જળસંગ્રહ નોંધાયો છે.
પાછલા વર્ષની તુલનાએ આ વર્ષે હાલના સમયગાળામાં વધુ જળસંગ્રહ છે. તા. 10 જૂન 2024ના રોજ આ જળાશયોમાં 40.81 ટકા જળસંગ્રહ હતો, જેની સામે આ વર્ષે 44.18 ટકા થઈ ગયો છે.
વિભાગવાર જોવામાં આવે તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.08 ટકા, દક્ષિણ ગુજરાતમાં 43.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 29.38 ટકા, સૌરાષ્ટ્રમાં 28.10 ટકા અને કચ્છના જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.
ગુજરાત સરકારે 'સુજલામ સુફલામ્', 'નલ સે જલ' તેમજ 'કેચ ધ રેઈન' અભિયાનની માધ્યમથી જળ સંચય અને વ્યવસ્થાપન ક્ષેત્રે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ‘કેચ ધ રેઈન – સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’નો મુખ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહેસાણાના દવાડાથી કરવામાં આવ્યો હતો.
વિશિષ્ટ જળાશયોની સ્થિતિ મુજબ, સુરેન્દ્રનગરના ધોળીધજા અને મોરબીના મચ્છુ-3માં 91 ટકાથી વધુ પાણી છે. કચ્છના કાલાઘોઘામાં 82%, રાજકોટના ભાદર-2માં 77%, છોટાઉદેપુરના સુખી જળાશયમાં 74% અને રાજકોટના આજી-2માં 73% પાણી સંગ્રહિત છે.
આજની સ્થિતિ અનુસાર રાજ્યના 6 જળાશયો 70થી 100 ટકા, 20 જળાશયો 50થી 70 ટકા અને 71 જળાશયો 25થી 50 ટકા પાણીના સ્તરે છે. જેના કારણે ઉનાળામાં પણ ગ્રામિણ તથા શહેરી વિસ્તારોમાં નાગરિકોને જરૂરિયાત મુજબ પૂરતું પાણી મળ્યું છે.
ગુજરાતનું જળ સંચાલન હવે આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યું છે.
What's Your Reaction?






