ભારતની ઇથેનોલ નીતિએ મકાઈના ભાવને ઓક્ટોબર ૨૦૨૦થી બોટમ આઉટ કર્યા : ભારત ૧૦ લાખ ટન મકાઈ મ્યાનમાર અને યુક્રેનથી આયાત કરશે

ભારતમાં ઇથેનોલ ઉત્પાદન ૪૦૦ ટકા વધીને ૧.૩૫ અબજ લીટરે પહોચ્યું
મુંબઈ: ભારત સરકાર દેશમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને વિશ્વ બજારમાં સસ્તા ભાવની ખાંડ નિકાસ કરીને વિદેશી હૂંડિયામણ કમાવાના આશયથી પેટ્રોલમાં ઈથેલોન મિશ્રણ કરવાનો વર્તમાન દર ૧૩ ટકાથી વધારીને ૨૦૨૫-૨૬મા ૨૦ ટકા કરવા પ્રયત્નશીલ છે. આને લીધે ભારત મકાઈની મોટાપાયે આયાત કરશે, એવા અનુમાન પર જાગતિક ભાવને ટેકો મળી ગયો છે. ૧૮ ઓગસ્ટે સીબીઓટી ડીસેમ્બર ૨૦૨૪ વાયદો ઓક્ટોબર ૨૦૨૦ના તળિયે પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) ૩.૮૫ ડોલર હતો. શુક્રવારે, આગલા સપ્રાહાંત કરતા ૨.૨ ટકા વધીને ઇન્ટ્રાડેમાં ૪.૧૬ ડોલરની ઉંચાઈએ પહોચ્યો હતો, આ સતત બીજા સપ્તાહનો વધારો હતો.
બ્રાઝીલ પણ ચીન સાથેનો વેપાર ઘટાડીને, સ્થાનિક મકાઈ માંગ, આ વર્ષે ઇથેનોલ ઉત્પાદન વધારીને ૧૯ ટકા કરવા, ઇથેનોલ તરફ વાળી દેવા માંગે છે. નવી દરખાસ્તના અમલ સાથે, ભારત છેલ્લા એક દાયકામાં પહેલી વખત એશિયામાં સૌથી મોટો મકાઈ આયાતકાર દેશ બની જશે. ગતવર્ષે ભારતે માત્ર ૪૯૮૧ ટન મકાઈ આયાત કરી હતી. ૨૦૨૪મા અત્યાર સુધીમાં ૫.૩૧ લાખ ટન આયાત થઇ ગઈ છે. વાણીજ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે ભારતની મકાઈ નિકાસ ૧૮ લાખ ટનથી ૮૭ ટકા ઘટીને માત્ર ૨.૪૨ લાખ ટન રહી ગઈ હતી.
સરકારી આંકડા કહે છે કે, ઇથેનોલમાં મકાઈ વપરાશ ૩૫ લાખ ટને પહોચતા ઇથેનોલ ઉત્પાદન ૪૦૦ ટકા વધીને ૧.૩૫ અબજ લીટરે પહોચ્યું છે. ભારતમાં નિકાસ માંગ વધવાના સંયોગે, મ્યાનમારમાં મકાઈના ભાવ ૨૦૨ ડોલર પ્રતિ ટનથી વધી ૨૭૦ ડોલર થયા છે, જે ખેડૂતોને મકાઈ વાવવા પ્રોત્સાહિત કરશે. મકાઈના ભાવ વધી આવતા વિયેતનામે ભારતથી આયાત ઘટાડી દીધી છે.
એગ્રી બીઝનેસ કંપની ઓલામ કહે છે કે ભારતમાં ઇથેનોલ ડીસ્ટીલરીઝની ઉત્પાદન માંગને પહોચી વળવા, ૬૦થી ૭૦ લાખ ટન મકાઈ આયાત કરવી પડશે. વિયેતનામ, નેપાળ, બાંગ્લાદેશ, મલેશિયા જેવા દેશો જે ભારતીય મકાઈ પર નિર્ભર હતા તેમને હવે અમેરિકા અને દક્ષીણ અમેરિકાથી આયાત કરવી પડશે. ભારત સામાન્ય રીતે વર્ષે સરેરાશ ૨૦થી ૪૦ લાખ ટન નિકાસકાર દેશ છે. પણ વેપારી અંદાજ મુજબ ૨૦૨૪મા તે માત્ર ૪.૫ લાખ ટન નિકાસ કરીને મ્યાનમાર અને યુક્રેનથી ૧૦ લાખ ટન આયાત કરશે. યુક્રેને ઓગસ્ટ અંત સુધીમાં ૪ લાખ ટન મકાઈ ભારતને વેચી છે, પણ હવે ધરખમ વધારો થશે.
વિશ્વના મોટા ઉત્પાદકો બ્રાઝીલ અને અમેરિકામાં પ્રોત્સાહક હવામાન અને અન્યત્ર નકારત્મક હવામાન છતાં, મકાઈના ભાવ તળિયે બેસી ગયા હતા, પરણામે આખા નિકાસ વેપારનો આંતરપ્રવાહ બદલાઈ હયો હતો. એસ એન્ડ પી ગ્લોબલ કોમોડિટીની એક નોંધ કહે છે કે અમેરિકામાં ઓગસ્ટમાં મકાઈ યીલ્ડ (ઉત્પાદક્તા) પ્રતિ એકર ૧૮૩.૧ બુશેલ અંદાજવામાં આવી હતી, જે ગતવર્ષે સમાનગાળામાં ૧૭૭.૩ બુશેલ હતી. આને લીધે એક તરફ માલ ભરાવો થયો, જેણે અમેરિકામાં મકાઈના ભાવ ટન દીઠ ૧૮૦ ડોલરના સપ્ટેમ્બર ૨૦૨૦ પછીના તળિયે લાવી દીધા. બ્રાઝીલના ભાવ પણ ૧૯૫ ડોલરની વિક્રમ બોટમે આવી ગયા.
૨૦૨૩-૨૪ની મોસમ (સપ્ટેમ્બરથી ઓગસ્ટ)માં જાગતિક મકાઈ ઉત્પાદન ૨૦૧૦ લાખ ટન થયું છે, તેમાં બ્રાઝીલ અને અમેરિકાનો હિસ્સો ૧૦૭૦ લાખ ટન છે. વિશ્વના સૌથી મોટા ગ્રાહક ચીનમાં માંગ ઘટી રહી છે, તેને પણ ભાવને નીચે જવા દબાણ સર્જ્યું છે. ૨૦૨૪-૨૫મા ચીનની આયાત ૨૩૦ લાખ ટન ટકેલી રહેવાનું અનુમાન છે. બ્રાઝીલની ઓગસ્ટ નિકાસ, ગતવર્ષ કરતા ૩૫.૨૫ ટકા અને ૨૦૨૦ પછીની સૌથી ઓછી ૫૦.૬૩ લાખ ટન થઇ હતી.
(અસ્વીકાર સુચના: ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
What's Your Reaction?






