ભારતમાં સોયાબીનના ભાવ ૧૦ વર્ષના તળિયે: બ્રાઝીલ, આર્જેન્ટીના, અમેરિકનમાં વિપુલ સોયાબીન પાક ભાવ ઓગસ્ટ ૨૦૨૦ના તળિયે

ભારતમાં સોયાબીનના ભાવ ૧૦ વર્ષના તળિયે: બ્રાઝીલ, આર્જેન્ટીના, અમેરિકનમાં વિપુલ સોયાબીન પાક ભાવ ઓગસ્ટ ૨૦૨૦ના તળિયે

ઇબ્રાહિમ પટેલ 

મુંબઈ : બ્રાઝીલ અને આર્જેન્ટીના જેવા દક્ષીણ અમેરિકન દેશમાં ૨૦૨૩-૨૪નો વિપુલ સોયાબીન પાક બજારમાં આવનાર હોવાથી ભાવ ઓગસ્ટ ૨૦૨૦ના તળિયે જવા દબાણમાં આવી ગયા છે. અમેરિકન કૃષિ મંત્રાલય કહે છે કે બ્રાઝીલમાં નકારાત્મક હવામાન છતાં, તેના ઇતિહાસનો બીજા નંબરનો વિક્રમ ૧૫૦૦ લાખ ટનના પાક લઈને બજારમાં ઉતશે. ગત મોસમમાં આર્જેન્ટીનાએ દુષ્કાળ જોયો હતો, પણ ત્યાર પછી હવામાન સુધરી આવતા ૪૯૦ લાખ ટન સોયાબીનની લણણી કરશે.

જગતભરના ખેડૂતો કહે છે કે વિક્રમ પાક છતાં, અમને ગયાવર્ષ જેટલો નફો મળવાનો નથી. અમેરિકન ખેડૂતે ગયાવર્ષે સરેરાશ ૧૨થી ૧૪ ડોલર પ્રતિ બુશેલ ભાવે સોયાબીન વેચ્યા હતા, જેના આજે ૯.૫૦ ડોલર ઉપજે છે. શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ નવેમ્બર સોયાબીન વાયદો મેં મહિનામાં ૧૨ ડોલરની ઉંચાઈએ હતો, તે ૧૬ ઓગસ્ટે ઘટીને ૯.૩૬ ડોલર ઓગસ્ટ ૨૦૨૦ના તળિયે જઈ બેઠો હતો, શુક્રવારે ભાવ ૯.૪૧ ડોલર હતો. આમ છેલ્લા એક વર્ષમાં ભાવ ૩૦ ટકા ઘટ્યા હતા.   

મધ્યપ્રદેશમાં પણ સોયાબીનના ભાવ ૧૦ વર્ષના તળિયે જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજ્યની મંડીઓમાં, સરેરાશ ઉત્પાદન પડતર રૂ. ૩૨૬૧ સામે, કેન્દ્ર સરકારે નિર્ધારિત કરેલા, ૨૦૨૪-૨૫ની વર્તમાનમાં ખરીફ મોસમના લઘુત્તમ ટેકાના ભાવ રૂ. ૪૮૫૦ પ્રતિ ક્વિન્ટલ કરતા પણ ઓછા રૂ. ૩૫૦૦થી ૪૦૦૦ જેટલા ચાલે છે. આમ ખેડૂતોને સોયાબીન ખેતીમાં રૂ. ૧૦૦૦થી ૧૩૦૦ની નુકશાની છે.

સોયાબીન પ્રોસેસર્સ ઓફ ઇન્ડીયા (સોપા)નાં ડેટા કહે છે કે ૨૦૧૩-૧૪મા જોવાયેલા સરેરાશ ભાવ રૂ. ૩૮૨૩ જે વર્તમાન ભાવ સાથે મેળ ખાય છે. ગતવર્ષે સોયાબીનના સરેરાશ ભાવ રૂ. ૫૦૦૦ હતા, તે વર્તમાનમાં સરેરાશ રૂ. ૩૫૦૦ ગણવામાં આવે તો ૩૦ ટકા ઘટી ગયા છે. 

તેલીબીયાં બજારના સુત્રો કહે છે કે ભાવ ઘટાડાના મૂળમાં સોયા રીફાઈન્ડ તેલની આયાત જકાત ઘટાડો છે, જે ૩૨ ટકા હતી તે ઘટાડીને ૧૨.૫ ટકા કરવામાં આવી પરિણામે સોયાબીન પીલાણ મિલોને ભારતીય સોયાબીનમાં પડતર નાં રહેતા તેમની ખરીદી પણ ઘટી ગઈ છે. વધુમાં બ્રાઝીલ, આર્જેન્ટીના અને અમેરોકા જેવા સોયાબીન ઉત્પાદક દેશોનું જાગતિક બજારમાં પ્રભુત્વ હોવાથી, ભારતમાં સોયાબીનની માંગ વ્યાપક પ્રમાણમાં અસર પામી છે.

ઉકત ત્રણ દેશનો વૈશ્વિક સોયાબીન બજાર હિસ્સો ૯૫ ટકા છે, જ્યારે ભારત માત્ર ૨.૫થી ૩ ટકા ઉત્પાદિત કરે છે.
ભારતમાં સરેરાશ સોયાબીન ઉપજ (યીલ્ડ) પ્રતિ હેક્ટર ૪૦૦થી ૨૩૦૦ કિલો છે. જો સર્વાંગી સરેરાશ કાઢીએ તો તે ૧૦૦૦ કિલો જેટલી થાય છે. નેશનલ એગ્રીકલ્ચરલ સ્ટેટેસ્ટીક સર્વિસએ અમેરિકન યીલ્ડ, ગતવર્ષ કરતા ૩ બુશેલ (૨૭.૨૧૮ કિલો) વધુ, ૫૭ બુશેલ આવવાની આગાહી કરી છે. 

બ્રાઝીલના સસ્તા ભાવના સોયાબીનની ખરીદી ચીન ધરખમ પ્રમાણમાં કરી રહ્યું હોવાથી, અમેરિકાના નવા પાકના સોદા ઘટી ગયા છે. જો અમેરિકન નિકાસ સોદા નહિ વધે તો, વર્ષાંત સ્ટોક ૬૦૦૦ લાખ બુશેલ રહી જવાની ભીતિ છે. જે ૨૦૧૮-૧૯ના ટ્રેડ વોર પછીનો સૌથી વધુ સ્ટોક હશે.

ગત સપ્તાહે અમેરિકન કૃષિ મંત્રાલયે વર્લ્ડ એગ્રીકલ્ચરલ સપ્લાય એન્ડ ડીમાંડ (વાસદા) અહેવાલમાં રજુ કર્યો, ત્યાર પછી વૈશ્વિક પાકના આંકડા સુધારી આવતા ન્યુયોર્ક સોયાબીન વાયદો ૧૦ ડોલર પ્રતિ બુશેલની અંદર ઉતરી ગયો. વાસદાએ અમેરિકાન યીલ્ડ (ઉપજ) વિક્રમ મુકીને ૨૦૨૪-૨૫નો વર્ષાંત સ્ટોક ૬૨ ટકા વધુ મુક્યો હતો. 


(અસ્વીકાર સુચના:   ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે. ૪૫ વર્ષનો કોમોડીટી જર્નાલિઝમનો અનુભવ ધરાવતા  ઇબ્રાહિમ પટેલ, જેઓ એશિયાના પ્રથમ આર્થિક અખબાર “વ્યાપાર” સાથે ૩૫ કરતા વધુ વર્ષોથી સંકળાયેલા રહ્યા છે. હવે તેઓ આંતરરાષ્ટ્રીય કોમોડીટીનાં રીસર્ચ એનાલીસ્ટ અને સ્પેક્યુંનોમીસ્ટ છે. તેમના વાંચકોમાં ભારત સહીત આખા વિશ્વના કોમોડીટી એક્સચેન્જો પર ટ્રેડ કરતા ટ્રેડરોનો સમાવેશ થાય છે.)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow