1984ના શીખ રમખાણોના કેસમાં દિલ્હીની એક કોર્ટે કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલર વિરુદ્ધ આરોપો ઘડ્યા

મુંબઈ: દેશ અને દુનિયામાં બહુ ગાજેલા 1984ના શીખ રમખાણોના કેસમાં દિલ્હીની એક કોર્ટે કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલર વિરુદ્ધ આરોપો ઘડ્યા છે. કોર્ટે ટાઈટલર સામે હત્યા, ગેરકાયદેસર રીતે ભેગા થવા, રમખાણો, રમખાણો ભડકાવવા, એકબીજા સામે જુદા જુદા જૂથોને ઉશ્કેરવા, પેશકદમી અને ચોરીના આરોપો ઘડ્યા હતા.
વિશેષ ન્યાયાધીશ રાકેશ સિયાલે કહ્યું હતું કે, ટાઈટલરે સીબીઆઈના આરોપોમાં પોતે દોષિત ન હોવાની વાત કરી હતી. તેથી હવે આ આરોપોના આધારે જ ટાઇટલર સામેનો કેસ આગળ વધશે. આ કેસની આગામી સુનાવણી 3 ઓક્ટોબરે થશે. કોર્ટે 30 ઓગસ્ટે અગાઉની સુનાવણીમાં કહ્યું હતું કે ટાઇટલર વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવા માટે પૂરતા પુરાવા છે.
સીબીઆઈએ 20 મે 2023ના રોજ ટાઇટલર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ટાઇટલરે ટોળાને ઉશ્કેર્યા હોવાનું કહેવાય છે. આ પછી ગુરુદ્વારાને આગ ચાંપવામાં આવી હતી. આ હિંસામાં ઠાકુર સિંહ, બાદલ સિંહ અને ગુરુ ચરણ સિંહ માર્યા ગયા હતા.
ચાર્જશીટ મુજબ, એક સાક્ષીએ આરોપ લગાવ્યો હતો કે જગદીશ ટાઇટલર 1 નવેમ્બર, 1984ના રોજ ગુરુદ્વારા પુલ બંગશની સામે એમ્બેસેડર કારમાંથી નીચે ઉતર્યો હતો. આ પછી, તેણે ભીડને ઉશ્કેર્યો અને કહ્યું- શીખોને મારી નાખો, તેઓએ અમારી માતાની હત્યા કરી છે.
શું છે 1984ના શીખ વિરોધી રમખાણો?
1984માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. પંજાબમાં શીખ આતંકવાદને ડામવા માટે, ઇન્દિરા ગાંધીએ સુવર્ણ મંદિર સંકુલમાં ઓપરેશન બ્લુસ્ટાર શરૂ કર્યું, જે એક પવિત્ર શીખ ધાર્મિક સ્થળ છે, જેમાં આતંકવાદી ભિંડરાવાલે સહિત ઘણા લોકો માર્યા ગયા હતા. આ ઘટનાથી શીખોમાં ગુસ્સો આવ્યો હતો. થોડા દિવસો પછી, ઇન્દિરા ગાંધીની તેમના જ શીખ અંગરક્ષકે ગોળી મારીને હત્યા કરી દીધી. એ પછી સમગ્ર દેશમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. દિલ્હી અને પંજાબમાં તેની સૌથી વધુ અસર જોવા મળી હતી. આ રમખાણોમાં લગભગ 3.5 હજાર લોકોના મોત થયા હતા.
What's Your Reaction?






