એલ્યુમીનીયમ ઇન્વેન્ટરીઝમાં થઇ રહેલો ઘટાડો: બજારનો આંતરપ્રવાહ બદલાવના આરે : એલ્યુમીનીયમનાં ભાવ સુધરી આવતા બદલાયેલા ફંડા મેન્ટલ્સનો લાભ કોપરને પણ મળશે

એલ્યુમીનીયમ ઇન્વેન્ટરીઝમાં થઇ રહેલો ઘટાડો: બજારનો આંતરપ્રવાહ બદલાવના આરે : એલ્યુમીનીયમનાં ભાવ સુધરી આવતા બદલાયેલા ફંડા મેન્ટલ્સનો લાભ કોપરને પણ મળશે

સોલાર એનર્જી, ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વાહનો જેવા સેકટરોમાંથી મજબુત એલ્યુમીનીયમ માંગ

 

ઇબ્રાહિમ પટેલ 

મુંબઈ: એલ્યુમીનીયમ ઇન્વેન્ટરીઝ (સ્ટોક)માં થઇ રહેલો ઘટાડો સૂચવે છે કે બજારનો આંતરપ્રવાહ બદલાવના આરે આવીને ઉભો છે. માંગ વધવા સાથે છેલ્લા ત્રણ મહિનામાં સ્ટોક ૨૨ ટકા ઘટીને ૮ મહિનાના તળિયે ૮,૭૭,૯૫૦ ટન રહી ગયો હતો. વધુ માંગનાં મોસમી દિવસો જોતા ગુરુવારે ઇન્ટ્રાડેમાં એલએમઈ (લંડન મેટલ એક્સચેન્જ) ત્રિમાસિક વાયદો, એક તબક્કે ૨૪૨૭ ડોલર થઇ ૩૭ ડોલરના સુધારે વધી ૨૪૦૮ ડોલર પ્રતિ ટન મુકાયો હતો. શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જ પર બેન્ચમાર્ક વાયદો વધીને ટન દીઠ ૧૯,૪૬૫ યુઆન બોલાયો હતો.

વધુમાં, ચીનથી જુલાઈમાં એલ્યુમીના (કાચું એલ્યુમીનીયમ)ની નિકાસ વર્ષાનું વર્ષ ૯.૬ ટકા વધીને ૧,૪૬,૭૦૮ ટન થઇ હતી, જેમાં સૌથી વધુ રશિયા ખાતે નિકાસ થઇ હતી. ઉત્પાદનની દ્રષ્ટીએ જોઈએ તો જુલાઈમાં ચીનનું એલ્યુંમીનાનું ઉત્પાદન વર્ષાનું વર્ષ ૬ ટકા વધીને ૩૬.૮ લાખ ટન થયું હતું, જે ૨૦૨૨ પછીનું સૌથી વધુ માસિક ઉત્પાદન હતું. જુલાઈમાં વૈશ્વિક એલ્યુમીનીયમ ઉત્પાદન વર્ષાનું વર્ષ ૨.૪ ટકા વધીને ૬૧.૯૪ લાખ ટન થયું હતું, જેમાં ચીનની હિસ્સેદારી સૌથી વધુ હતી.

ટૂંકાગાળા માટે સપ્લાયમાં ઘટાડો, ચીનના મહત્વના સેકટરોમાથી મજબુત માંગ, અને વધેલા કાચામાલના ભાવને લીધે છેલ્લા બાવન સપ્તાહમાં એલ્યુમીનીયમના ભાવ ૮.૯૫ ટકા વધ્યા હતા. મોર્ગન સ્ટેન્લી કહે છે કે એલ્યુમીનીયમ બજારમાં ભાવ સુધરી આવતા બદલાયેલા ફંડા મેન્ટલ્સનો લાભ કોપરને પણ મળશે. પ્રાથમિક રીતે એલ્યુમીનીયમના ભાવ વધવાનું મૂળ કારણ કાચોમાલ એલ્યુંમીનાના ભાવ તાજેતરમાં વધીને ૫૨૦ ડોલર પ્રતિ ટન થયા હતા. આ ભાવ વધારો એલ્યુમીનીયમ ગ્રાહકોમાં પસાર કરી દેવામાં આવ્યો હતો. ચીનના સોલાર એનર્જી, ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વાહનો જેવા સેકટરોમાંથી મજબુત એલ્યુમીનીયમ માંગ નીકળી છે.

જાગતિક નબળા વિકાસની વ્યાપક ચિંતાઓ વચ્ચે જો કે એલ્યુમીનીયમના ભાવ બહુ વેગથી વધી જાય, તેવી શક્યતા પણ ઓછી છે. એલએમઈમાં ખૂલતો સ્ટોક ૮,૩૪,૮૫૦ ટન બતાવાયો છે. સામે લાઈવ વોરંટ અને કેન્સલ્ડ વોરંટ અનુક્રમે ૩,૫૦,૨૨૫ ટન અને ૪,૮૪,૬૨૫ સેટલ્ડ થયા હતા. ગત મહીને ચીનના મેન્યુફેક્ચરિંગ ડેટા ઘટીને ૬ મહિનાની નીચલી સપાટીએ પહોચી ગયા હતા, જે દાખવે છે કે વેચાણ ઓર્ડરો ઓછા છે. આ બધું છતાં શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જ વેરહાઉસ પર સ્ટોક, ગત સપ્તાહ કરતા ૧.૪ ટકા ઘટ્યો હતો.

એલ્યુમીનીયમ બજાર પરંપરાગત મોટી માંગની મોસમ શરુ થઇ ગઈ હોવા, છતાં ટૂંકાગાળા માટે ભાવ ઘટાડો માર્યાદિત રહેશે. વપરાશ તબક્કાવાર વધી રહ્યો છે, સંકેતો એવા પણ મળે છે કે ઇન્વેન્ટરી ઘટાડો માર્યાદિત બની જાય. છેલ્લા ચાર દિવસથી એલ્યુમિનિયમ ઈન્ગોટ (ગઠ્ઠા)માં નકારાત્મક સેન્ટિમેન્ટ સર્જાયું છે. પણ એનાલીસ્ટો કહે છે કે ટૂંકાગાળામાં ભાવ વધારો જળવાઈ રહશે.

તાજા ડેટા કહે છે કે ઓગસ્ટમાં ચીનના પ્રોડ્યુસર પ્રાઈસ ડીફ્લેશન નબળો પડી ગયો હોય, અર્થતંત્રને સંઘર્ષ કરવાનો આવ્યો છે. મેટલ ટ્રેડરો કહે છે કે અમેરિકન ફુગાવાના અહેવાલ, શક્ય છે કે ફેડરલ રીઝર્વની મીટીંગમાં વ્યાજ ઘટાડાના નિર્ણય પર પ્રભાવ પાડશે. વ્યાજદર ઘટાડો આર્થિક પ્રવૃત્તિ અને માંગને વેગવાન બનાવશે, જે ડોલરના મુલ્ય પર અસર છોડશે. જો ડોલર નબળો પડે તો અન્ય દેશની કરન્સીમાં ધાતુનો સ્ટોક ધરાવનારને તે થોડી રાહત થશે.

          

(અસ્વીકાર સુચના: ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow