સઈ-વિરારમાં ક્લસ્ટર રિડેવલપમેન્ટ: 40 જગ્યાનો સર્વેક્ષણ

વસઈ: વસઈ-વિરારામાં ગેરકાયદેસર અને જોખમી ઈમારતોને કારણે નિર્માણ થનાર સમસ્યાના નિરાકરણ માટે સમુહ રિડેવલપમેન્ટ (ક્લસ્ટર) યોજના અમલમાં મુકાવા જઈ રહી છે. આ માટે મહાનગરપાલિકાએ 40 સ્થળોનો સર્વેક્ષણ કરી પ્લાન તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
વસઈ-વિરારનું નાગરીકરણ ઝડપથી વધી રહયું છે. ભૂતકાળમાં માં વિવિધ વિસ્તારોમાં ઇમારતો બાંધવામાં આવી છે. કેટલીક જગ્યાએ ગેરકાયદેસર રીતે લોડ બેરિંગ ઈમારતો ઉભી કરવામાં આવી છે. આ ઈમારતોમાં વર્ષોથી મોટી સંખ્યામાં પરિવારો રહે છે. પરંતુ, તેની જાળવણીમાં ધ્યાન ન હોવાને કારણે આવી ઈમારતો જર્જરિત અને જોખમી બની રહી છે. મહાનગરપાલિકાની હદમાં જોખમી ઈમારતોનો પ્રશ્ન ગંભીર બન્યો છે. દર વર્ષે વિવિધ સ્થળોએ જોખમી ઈમારતો તોડી પાડવામાં આવે છે અને એના કારણે અનેક પરિવારો બેઘર થઈ જાય છે. જો કે, કેટલાક પરિવારોની આર્થિક પરિસ્થિતિ ન હોવાને કારણે ઘર ખરીદવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે. આવી જોખમી અને ગેરકાયદેસર ઈમારતોને સમુહ ક્લસ્ટર પ્લાનિંગ સ્કીમ દ્વારા વિકસાવવા માટે વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. સમુહ વિકાસ યોજના દ્વારા વસઈ-વિરારના વિવિધ વિસ્તારોનો વિકાસ કરવામાં આવશે. તેમાં અત્યાર સુધીમાં 40 સ્થળોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.
બોક્સ
આ ખાસ કરીને તે વિસ્તાર છે જ્યાંથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની મહત્વાકાંક્ષી યોજનાઓ પસાર થઈ રહી છે, જેમાં બુલેટ ટ્રેન, વિરાર અલીબાગ કોરિડોરનો સમાવેશ થાય છે. વસઈ-વિરાર નગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર અનિલ કુમાર પવારના જણાવ્યાનુસાર, તેમાંથી ચાર જગ્યા નિશ્વિત કરવામાં આવી છે. ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસની કામગીરી ચાલી રહી છે ત્યારે હવે મહાનગરપાલિકા જૂથ પુનઃવિકાસ યોજના અમલમાં મૂકવાનો પ્રયાસ કરી રહી છે. તદનુસાર, સર્વેક્ષણ અને યોજનાઓ તૈયાર કરવા જેવા વિવિધ કામો પ્રગતિમાં છે.
શાસન સાથે પત્રવ્યવહાર
થાણે, મીરા-ભાયંદર આ મહાનગરપાલિકાઓની જેમ વસઈ-વિરાર મ્યુનિસિપલ વિસ્તારમાં આ સમૂહ પુનઃવિકાસ યોજના લાગુ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. શરૂઆતમાં 40 જગ્યા નક્કી કર્યા બાદ ત્યાં કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટે સરકાર સાથે પત્રવ્યવહાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત તેનો પ્લાન તૈયાર કરીને તેને ડેવલપમેન્ટ પ્લાનમાં સામેલ કરવામાં આવશે.
જોખમી ઈમારતોના રહેવાસીઓની અડચણ
ઈમારતો જોખમી હોવાથી મહાનગરપાલિકાએ તેને તોડી પાડે છે. હવે નાગરિકોએ મહાનગરપાલિકાને ફરીયાદ કરી છે કે તે જગ્યાના મૂળ માલિક ફરીથી જગ્યાના પુનઃવિકાસમાં અવરોધ ઉભો કરી રહ્યા હોવાથી તેઓ કામ કરી શકતા નથી. તેમાંથી માર્ગ કાઢવા માટે મહાનગરપાલિકા તે ઈમારતમાં રહેતા નાગરિકોના તમામ દસ્તાવેજો તપાસીને તેમને પ્રમાણપત્ર આપશે. આ સિવાય જે જગ્યાએ રહીએ છીએ તેના તમામ દસ્તાવેજો પોતાની સાથે લઈને સાતબારા પર અન્ય અધિકારોમાં તેમના નામ નોંધાવવા અને કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવાની સલાહ મહાનગરપાલિકાએ આપી છે.
આવી છે સમુહ રિડેવલપમેન્ટ (ક્લસ્ટર) યોજના
આ યોજના દ્વારા ગેરકાયદેસર ઇમારતો, ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓનો સામૂહિક રીતે પુનઃવિકાસ કરવામાં આવશે. આ યોજના માટે એક હેક્ટર ક્ષેત્ર હોવાનું જરૂરી હોય છે. આ જગ્યાએની સાઈટ ઓનરશીપ તપાસ, સોસાયટી ફાઈલ તપાસ અને અન્ય કામો માટે વન વિન્ડો સ્કીમ અમલમાં મુકીને આયોજન કરવામાં આવશે. આ યોજના દ્વારા શહેરનો આયોજનબદ્ધ રીતે વિકાસ કરવામાં આવશે અને નાગરિકોને સુવિધા સાથે યોગ્ય ફ્લેટ આપવામાં આવશે.
What's Your Reaction?






