કિંગ ડોલરનું પ્રભુત્વ જોખમમાં છે? કરન્સી બજારના બદલાઈ રહેલા આંતરપ્રવાહો :વૈશ્વિક જીડીપીમાં આજે મોટા અર્થતંત્ર તરીકે અમેરિકાનો હિસ્સો ૨૬ ટકા જેટલો : જાગતિક અનામતોમાં ડોલરનો હિસ્સો ૨૦૦૦મા ૭૦ ટકા હતો તે હાલ ૫૯ ટકા છે

ઇબ્રાહિમ પટેલ
મુંબઈ: અમેરિકન ડોલર વૈશ્વિક કરન્સીઓનો રાજા ગણાય છે. પણ હવે વારંવાર એવી અફવાઓ ઉઠવા લાગી છે કે આ રાજાનો હોદ્દો ભયમાં મુકાયો છે. જુન આરંભે જ્યારે સાઉદી સરકારનાં, અમેરિકા સાથેના પેટ્રોડોલર કરાર રદ્દ થયા ત્યારે, ભારતીય મીડિયામાં એવી જોરદાર હવા ઉઠી હતી કે ડોલરનું વૈશ્વિક મહત્વ જોખમમાં આવી ગયું છે. અલબત્ત, આખા જગતના વેપારમાં ડોલરનું પ્રભુત્વ, મહત્વની ભૂમિકા નિભાવે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં બનતા વેપારી બીલો ૨૦૨૪મા પણ ડોલર મુલ્યમાં જ બને છે.
આખી દુનિયાના રોકાણકારો આજે પણ તેમના સોદાનું મુલ્ય ડોલરમાં મુલવતા હોય છે. ત્યારે કિંગ ડોલરની ભૂમિકા, ટૂંકા અને લાંબાગાળા માટે બહુ બધા જોખમમાં મુકાવાનો ભય, અત્યારે વહેલો ગણાશે. ૧૯૨૦ના દાયકામાં બ્રિટીશ પાઉન્ડ પાસેથી વૈશ્વિક કરન્સીનો હોદ્દો અમેરિકાએ લઇ લીધો હતો. એકાએક આવી પડતી આર્થિક વિપદા સમયે દેશની નાણાકીય રક્ષા કરવા અથવા વિદેશી હૂંડિયામણ અનામતોનું રક્ષણ કરવા, આખા વિશ્વની સરકારો અને સેન્ટ્રલ બેંકો પોતાની અસ્કયામતોમાં ડોલર મુલ્યનું પ્રભુત્વ સ્વીકારતી હોય છે.
અમેરિકન ડોલરની હિસાબી ગણતરી અથવા ફંડિંગ કરન્સી અને બે કરન્સીનાં મુલ્ય હસ્તાંતરણ અથવા વેપાર કે વિદેશી સોદાનું સંગ્રહ મુલ્ય અથવા રીઝર્વ કરન્સી (અનામત ચલણ) આ બધીજ વ્યવસ્થાઓ જાગતિક સ્તરે સ્વીકૃત છે. અને એક બીજાના પુરક વ્યવહારોને માન્યતા પણ આપે છે. વૈશ્વિક જીડીપીમાં આજે પણ સૌથી મોટા અર્થતંત્ર તરીકે અમેરિકાનો હિસ્સો ૨૬ ટકા જેટલો છે. આ સાથે જ દેશના અર્થતંત્રની સ્થિરતા, ડોલર અનામતથી માપવામાં આવે છે. સાથે જ રોકાણકારોના હિતોનું કાયદાકીય રક્ષણ પણ કરે છે.
અમેરિકન અર્થતંત્રનું કદ અને સ્થિરતાનો અર્થ એવો થાય કે ડોલર અસરકારક સંગ્રહ મુલ્ય ધારાવે છે, અને જેમને ડોલરમાં વિશ્વાસ છે, તેવા વિદેશી રોકાણકારો માટે તો સલામતીનું સ્વર્ગ ગણાય છે. એક કરન્સી બ્રોકર તો ત્યાં સુધી કહે છે કે જ્યારે જ્યારે જાગતમાં યુદ્ધની સ્થિતિ કે આર્થિક સમસ્યા સર્જાય ત્યારે ડોલર એક માત્ર એવી કરન્સી છે, જેનામાં રોકાણકાર વિશ્વાસ રાખીને તેમાં સલામત રોકાણ કરવા આકર્ષિત થાય છે. વિશ્વના મોટા અને સામાન્ય રીતે આગેવાન રોકાણકારોમાં પણ અમેરિકન ડોલર સૌથી વિશ્વસનીય કરન્સી ગણાય છે.
વિશ્વની કુલ વિદેશી હુંડીયામણ અનામત અસ્કયામતમાં ડોલરનો હિસ્સો ૫૯ ટકા છે, ત્યાર પછી ૨૦ ટકા સાથે યુરો આવે છે. આખી દુનિયાની સરકારો તેમનાં વિદેશી હૂંડિયામણનાં જોખમ સામે લેણદારોને ડોલરમાં ચુકવણી ખાતરી આપતી હોય છે, આવી ૬૪ ટકા જાગતિક ડેટ (દેવા) ડોલર ટર્મમાં છે. આખા જગતમાં સૌથી વધુ પેમેન્ટ આજે પણ ડોલરમાં થાય છે.
હવે સવાલ એ થાય છે કે શું ડોલર તેનો બજાર હિસ્સો ગુમાવી રહ્યો છે? કેટલાંક અંશે હામાં જવાબ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જાગતિક અનામતોમાં ડોલરનો હિસ્સો ૨૦૦૦મા ૭૦ ટકા હતો તે હાલ ૫૯ ટકા છે. વિદેશી હૂંડિયામણ અનામત હિસ્સામાં ડોલરના મોટા સ્પર્ધકો યુરો, અને જપાન યેનમાં પણ વૃદ્ધિ નથી થતી. આ બધી અનામતો હવે બિન પરંપરાગત કરન્સી અને અસ્કયામતો, જેવી કે સોના ચાંદી, કેનેડીયન, ઓસ્ટ્રેલીયન ડોલર અને ચાઈનીસ યુઆન તરફ આકર્ષિત થઇ રહી છે. ચીનને છોડી દઈએ તો અન્ય દેશની કરન્સીઓ અને અર્થતંત્રો સ્થિરતા ધરાવે છે અને અમેરિકા સાથેના સંબંધો પણ મજબુત છે.
આવી અનામતો રાખવાથી એક તરફ સ્થિરતા તો મળે છે સાથેજ સેન્ટ્રલ બેન્કોને ઊંચા વળતરની અપેક્ષા પણ રહે છે. આવા વળતર માટે તેઓ કરન્સી અનામતોમાં, વારંવાર બદલાવ પણ કરતા હોય છે. હવે એવો પણ પ્રશ્ન થાય કે જાગતિક વેપારમાં શું ડોલર તેનું મહત્વ ગુમાવી રહ્યો છે? કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે કે આવું તાત્કાલિક થવાની શક્યતા ઓછી છે. કારણ કે કેટલાંક અંશે ડોલરનું પર્ભુત્વ ઘટવાને બદલે વધ્યું છે. ઉદાહરણ તરકે જોઈએ તો ડેટ સીક્યુરીટીઝમાં ડોલર પુરાંત ૨૦૧૦મા ૪૯ ટકા હતી તે ૨૦૨૪મા ૬૪ ટકા થઇ છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
What's Your Reaction?






