અમદાવાદ : અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ -2024નો શુભારંભ કરાવતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શારદીય નવરાત્રિની સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે પ્રાચીનકાળથી મા શક્તિની ભક્તિ અને આરાધનારૂપે નવરાત્રિનો આ મહોત્સવ ઉજવવાની પરંપરા ચાલી આવે છે. વિશ્વમાં સૌથી લાંબો ચાલતો આ મહોત્સવ તંત્ર-મંત્ર, ધ્યાન, આરાધના, સાધના થકી સર્જન, શક્તિ અને વિદ્યાના સંચયની આંતરિક તેમજ કૌટુંબિક જાગૃતિનો અવસર છે.

અમિત શાહે જણાવ્યું કે ભાવિ પેઢીને નવરાત્રિમાં મા શક્તિની આરાધનાનું મહત્ત્વ સમજાવવા માટે પૂર્વજોએ આ ઉત્સવની શરૂઆત કરી હતી. આવા ઉત્સવની ઉજવણી કરીને માનવીએ પોતાના જીવનમાંથી નિરાશાને ત્યાગી સમગ્ર સમાજના વિકાસ માટે સામૂહિક રીતે જોડાઈ જવાની ભાવના ઉજાગર કરવી જોઈએ. આ માટે આ નવ દિવસ દરમિયાન મા દુર્ગા, મા લક્ષ્મી અને મા સરસ્વતી-એ ત્રણ સ્વરૂપે માતાની આરાધના કરવાનો ઉમદા વિચાર કેન્દ્રીય ગૃહમંત્રીએ આપ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રીએ શેરી ગરબાની વાત કરતા જણાવ્યું કે શેરી ગરબા પ્રથાનું મહત્ત્વ ઓછું થવા લાગ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે, તે માટે વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ યુનેસ્કોએ પણ ગુજરાતના ગરબાને વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખ તરીકે સ્વીકારી છે.કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે ગરબો એ ગર્ભનો અપભ્રંશ છે અને તેનો મૂળ અર્થ સર્જનએવો થાય છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરબાને ધાર્મિક વિરાસત સાથે જોડીને પર્યટન સાથે જોડવાનું કાર્ય કર્યું છે એની સાથે આવનારી પેઢીને ગરબા સાથે જોડીને આપણી પ્રાચીન વિરાસતને આધુનિકતા ઓળખ આપવાનું કામ કર્યું છે.

વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નવરાત્રિ અને ગરબા તો ગુજરાતની ઓળખ છે. ગુજરાતની આ ઓળખને ગ્લોબલ પ્લેટફોર્મ અપાવવાનું વિઝન નરેન્દ્ર મોદીનું હતું. વિશ્વ આખું ગુજરાતના આ સાંસ્કૃતિક વારસાને જાણે-માણે એ માટે તેમણે જ વર્ષ 2011માં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષની વાઇબ્રન્ટ નવરાત્રિનો પ્રારંભ કરાવવા દેશના ગૃહમંત્રી અમિત શાહ પધાર્યા છે, એમનું ઉમળકાભેર સ્વાગત છે, એવું તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે જ આજે દેશ- વિદેશમાં ગુજરાતનો ગરબો જાણીતો બન્યો છે અને ગત વર્ષે યુનેસ્કો દ્વારા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ તરીકે જાહેર કરાયો છે. ગરબાને વૈશ્વિક બહુમાન મળ્યા પછીની આ પ્રથમ નવરાત્રિ છે, જે તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

પાવાગઢમાં પાંચસો વર્ષ પછી મહાકાળી માતાના મંદિર પર ધ્વજારોહણ કરાયું છે, તો અંબાજીમાં એક જ સ્થળે તમામ બાવન શક્તિપીઠનાં દર્શનનો લાભ પણ મળી રહ્યો છે. ગબ્બરનો આદ્યશક્તિના પ્રાગટ્યની કથા વર્ણવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો હોય કે ગિરનાર પર મા અંબાનાં દર્શન માટે શરૂ કરેલી રોપ-વે સેવા હોય. વારસાની સાથે વૈશ્વિક વિકાસનો સમન્વય સાધવામાં ગુજરાત સફળ રહ્યું છે, એવું મુખ્યમંત્રીએ ગૌરવભેર ઉમેર્યું હતું. નવરાત્રિ જેવા મહોત્સવથી ગુજરાતના પ્રવાસનને વેગ મળવાની સાથે ગરબા ઉત્સવ જેવાં આયોજનોથી હસ્તકલાના કારીગરો તથા ક્રાફ્ટ બજાર સાથે જોડાયેલા લોકોને પણ રોજગારીની તક મળે છે અને એ રીતે વડાપ્રધાનએ આપેલ ‘વોકલ ફોર લોકલ’નો મંત્ર ચરિતાર્થ થાય છે, એનો આનંદ વ્યક્ત કર્યો હતો.વિકસિત ગુજરાત થકી, વિકસિત ભારતના નિર્માણની દિશામાં કાર્ય કરવા માટે આદ્યશક્તિ મા અંબે સૌને શક્તિ આપશે, એવી આસ્થા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

વિદેશી રાજદૂતો અને પ્રતિનિધિઓએ પણ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો આનંદ માણ્યો વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ-2024ના આજના શુભારંભ પ્રસંગે ડેનિસના એમ્બેસેડર ફ્રેડી સ્વાન, ઝિમ્બાબ્વેના પીટર હોબવાની, લેસોથોના થબંગ લીનસ ખોલુમો,ઈથિયોપિયાના બિઝુનેસ મેસરેટ, એક્વેડોરના જ્યોર્જ એનરાંગો, બુરુન્ડીના ચાર્લ્સ રવાંગા, સર્બિયાના લાઝર વુકાડિનોવિક, નેપાળના ડૉ. સુરેન્દ્ર થાપા, સ્લોવાકના રોબર્ટ મેક્સિઅન તેમજ જના મેક્સિઆનોવા, ટોગોના યાવો એડેમ, શ્રીલંકાના ક્ષેનુકા સેનેવિરત્ને સહિત વિવિધ દેશોના રાજદૂતો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.