બેડલાની સરકારી શાળા શ્રી બેડલા તાલુકા શાળા ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમે

રાજકોટ/અમદાવાદ: ભારત વિકાસ પરિષદની આનંદનગર શાખા દ્વારા ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધા 2024 રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન્ પ્રાથમિક શાળા નં.63 ખાતે આયોજન થયું હતું. જેમાં અગાઉ શાળા સ્તરમાં ભાગ લીધેલ રાજકોટ ની જાણીતી 50 શાળા નાં 4000 જેટલા વિદ્યાર્થીઓમાંથી પસંદ પામેલા 100 વિધાર્થીઓએ ભાગ લીધો હતો.કાર્યક્રમના અંતે પ્રાથમિક વિભાગમાં પોતાના જ્ઞાન નું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાંથી પ્રાથમિક વિભાગમાં બેડલા તાલુકા શાળાને વિજેતા જાહેર કરવામાં આવી હતી. જે હવે સુરેન્દ્રનગર ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત કક્ષાની ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધામાં ભાગ લેવા જશે.
રાજકોટ તાલુકાની ઠાંગા વિસ્તારની અંતરિયાળ ગામ બેડલાની સરકારી પ્રાથમિક શાળા એવી શ્રી બેડલા તાલુકા શાળાની ધોરણ 8 ની બન્ને વિદ્યાર્થીનીઓ કુ. કાગડીયા વંદના વનરાજભાઈ તથા કુ. કાગડીયા દયા કેશુભાઈએ સુંદર પ્રદર્શન કરતા માધ્યમિક વિભાગના વિજેતા બાળકો કરતાં પણ વધુ ગુણ મેળવ્યા હતા. સાત રાઉન્ડમાં કુલ 211 ગુણ સાથે પ્રથમ નંબર મેળવ્યો હતો. ખાસ ઉલ્લેખનીય છે કે ગત સાલ પણ આ સ્પર્ધામાં શાળાએ પ્રથમ નંબર મેળવ્યો હતો.
શાળાના શિક્ષકો હેમાંગીની રાઠોડ, રચના જોષી, મૈત્રેયી ત્રિવેદી અને ભાવેશ કુમરખાણીયાએ બાળકોને તૈયારી કરાવી હતી. શાળાના આચાર્ય જતીન પરમારે બન્ને દીકરીઓ, તેમના વાલીઓ તથા શાળાના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ દ્વારા પણ અભિનંદન આપવામાં આવ્યા છે.
ગામની આ દીકરીઓ અને શાળાની સિદ્ધિને લઈને બેડલા ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 6 ઓકટોબરને રવિવારના રોજ આ બન્ને દીકરીઓ સુરેન્દ્રનગર ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. હાલ બન્ને દીકરીઓ અને શાળાને ચોમેરથી અભિનંદન સહ પ્રાંત કક્ષા માટે શુભેચ્છાઓ મળી રહી છે.
What's Your Reaction?






