મુંબઈ 12/01/2026:
 
મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્ડ ક્રમાંક 30માં ચૂંટણીનો રંગ ચડ્યો છે. આ વોર્ડમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને ભાજપ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે.
નવી મતદાર યાદી અનુસાર વોર્ડ 30માં આશરે 55,000 મતદારો નોંધાયેલા છે. અહીં ગુજરાતી, ઉત્તર ભારતીય, મરાઠી, સાઉથ ઈન્ડિયન, તમિલ તથા ખ્રિસ્તી સમુદાયના મતદારોનું નોંધપાત્ર પ્રભુત્વ છે. આ વિવિધ સામાજિક સમીકરણને કારણે શરૂઆતથી જ આ વોર્ડ પર તમામ પક્ષોની નજર રહી છે.
ચૂંટણીની જાહેરાત બાદથી આ વોર્ડ ખાસ ચર્ચામાં રહ્યો છે. શરૂઆતમાં ભાજપ તરફથી બ્રહ્મસમાજના મિહિર આચાર્યનું નામ ફાઈનલ થયાનું મનાતું હતું અને તેમની તૈયારી પણ શરૂ થઈ ગઈ હતી. સૂત્રો મુજબ સ્થાનિક વિધાનસભ્યનો આચાર્યને પૂરતો ટેકો હતો. જોકે, ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અચાનક આચાર્યનું નામ કાપી નાખી અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી. આ નિર્ણયથી સ્થાનિક કાર્યકરો તેમજ મતદારોમાં ભારે નારાજગી ફેલાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ સ્થિતિ વચ્ચે વ્યવસાયે ડોક્ટર અને સમાજસેવાની સ્વચ્છ છબિ ધરાવતા ડૉ. દિવાકર પાટીલનું પલડું ભારે બનતું દેખાઈ રહ્યું છે. વોર્ડમાં કુલ 5 ઉમેદવારો મેદાનમાં છે. અહીં આમ આદમી પાર્ટીએ ગુજરાતીને અને ભાજપે જૈન સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. જ્યારે ડૉ. દિવાકર પાટીલ  શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે), મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ની આઘાડી તરફથી સંયુક્ત ઉમેદવાર છે. નોંધપાત્ર બાબત એ છે કે અહીં કોંગ્રેસનો પોતાનો ઉમેદવાર ન હોવાથી, કોંગ્રેસના કાર્યકરો અને મતદારો સ્વચ્છ અને પ્રમાણિક છબિ ધરાવતા ડૉ. દિવાકર પાટીલ તરફ ઝુકાવ બતાવી રહ્યા છે.
ડૉ. દિવાકર દલપત પાટીલ (બીએચએમએસ, ઈએમએસ) વિશે લોક અભિપ્રાય એવો છે કે, તેઓ છેલ્લાં 15 વર્ષથી સમર્પિત તબીબી વ્યાવસાયિક તરીકે નિઃસ્વાર્થ સેવા માટે ઓળખાય છે. આ તમામ પરિસ્થિતિઓને જોતા ચારકોપ વોર્ડ નં. 30ની ચૂંટણી આ વખતે અત્યંત રસપ્રદ અને નિર્ણાયક બનશે તેવો રાજકીય વર્તુળોમાં અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે.