અમદાવાદ : MD ડ્રગ્સ મામલે નાણાંકીય લેવડ-દેવડ દરમિયાન જુહાપુરામાં બબાલ, અસામાજિક તત્ત્વોનો આતંક

અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં એમ.ડી. ડ્રગ્સ સંબંધિત નાણાંકીય લેતીદેતીના મામલે બે જૂથો વચ્ચે ભારે બબાલ સર્જાઈ હતી. જેનાથી વિસ્તારમાં દહેશતનું વાતાવરણ સર્જાયું હતું. kejoki સોસાયટી ખાતે થયેલી આ ઘટનામાં ખુલ્લા હથિયાર સાથે તલવાર અને છરીઓ લઇ અસામાજિક તત્ત્વોએ તોડફોડ તેમજ લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
આસીફ શેખ નામના વ્યક્તિએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તે જમીન ખરીદવી-વેચવાની ધંધામાં સંકળાયેલો છે. ગુરુવારના રોજ ઓસામા બક્ષીએ ફોન કરીને ધમકી આપી હતી કે તેણે ઉછીના નાણાં માટે ફરી ફોન શા માટે કર્યો? આ પછી આશીફ શેખે વાતચીત માટે ઓસામાને ઘરે બોલાવ્યું. પરંતુ ઓસામાએ મોહમ્મદ પાયક અને અન્ય લોકોને મોકલ્યા અને બાદમાં ખુદ પણ સાગરિતો સાથે ત્યાં પહોંચી ગયો.
સ્થળ પર પહોંચીને ઓસામા અને તેના સાથીઓએ તલવાર અને છરી જેવા હથિયાર સાથે આતંક મચાવ્યો અને વાહનોમાં તોડફોડ કરી. ઘટનાને પગલે સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો.
પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા બાદ સ્થિતિ કાબૂમાં લીધી. વેજલપુર પોલીસના પીઆઈ આર.એમ. ચૌહાણ અને તેમની ટીમે ઓસામા બક્ષી સહિત બંને જૂથના આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને જૂથો વચ્ચે એમ.ડી. ડ્રગ્સના નાણાં અંગે લાંબા સમયથી તકરાર ચાલી રહી હતી, જેના કારણે આ ટોળકીય ટકરાવ થયો.
હવે પોલીસ સમગ્ર ઘટનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને હજુ વધુ આરોપીઓ જોડાયા હોવાની શકયતા જણાઈ રહી છે. પોલીસ ફરિયાદ, ઝડપ અને તલવાર જેવી હથિયાર સાથે ખૂનખાર હુમલો થયાના મામલે ગંભીર ગુના દાખલ કર્યા છે.
What's Your Reaction?






