ડોર ટુ ડોર કચરો લેવા માટે 5 તાલુકાઓને 25 ઇ-રિક્ષા ફાળવાઈ

છોટાઉદેપુર : 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જ્યંતિની ઉજવણીના ભાગરૂપે ‘સ્વચ્છતા હી સેવા 2024'' અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાનાં 5 તાલુકાઓને ડોર ટુ ડોર કચરો લેવા માટે 25 ઇ-રીક્ષા ફાળવવામાં આવી હતી. આ 25 ઇ-રીક્ષાને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપવા આવી હતી.
મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અંગેના વિચારો પર પ્રકાશ પાડતાં સાંસદ જશુભાઈ રાઠવા કહ્યુ હતું કે, સ્વચ્છતાની શરૂઆત પોતાના ઘરથી કરવી જોઈએ. તમારૂ ઘર, તમારી શેરી, તમારૂ ગામ, તમારૂ શહેર સ્વચ્છ હશે તો દેશ આપો આપ સ્વચ્છ બની જશે. આપણે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાનું સૂત્ર અપનાવી સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરીએ. વધુમાં તેમણે કહ્યું કે, કચરા પેટીનો ઉપયોગ કરી સ્વચ્છતા જાળવી નિરોગી રહીએ. પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવાનું ટાળી કપડાંની બેગ સાથે રાખી પર્યાવરણનું જતન કરીએ.
‘એક પેડ માં કે નામ’ રોપવાનો છોટાઉદેપુરના નાગરિકોને અનુરોધ કરતાં કહ્યું કે આપણે જંગલોના રક્ષણ માટે વૃક્ષો રોપવા જોઇએ જેથી ગ્લોબલ વોર્નિંગ સામે રક્ષણ મળી શકે. વૃક્ષો રોપી તેનું જાતે જતન કરવું એમ ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલ પ્રાસંગિક પ્રેરક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા અને ગ્રામ્ય પંચાયતને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકો દ્વારા સ્વચ્છતા શપથ લેવા આવ્યા હતા. તમામ મહાનુભાવો દ્વારા એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી, અધિક નિવાસી કલેક્ટર શૈલેશ ગોકલાણી, તાલુકા પંચાયત પ્રમુખ, પદાધિકારી ઓ અને અધિકારી તથા વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






