દેશના સૌથી ધનિકોની યાદીમાં, મુકેશ અંબાણી ટોચ પર, અદાણી બીજા સ્થાને

નવી દિલ્હી:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી, ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં પ્રથમ સ્થાને યથાવત છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ દેશના 100 સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીનું નામ બીજા સ્થાને છે. ફોર્બ્સની આ યાદીની સૌથી મહત્વની વાત એ છે કે, દેશના 100 સૌથી અમીર લોકોની સંયુક્ત સંપત્તિ પહેલીવાર એક ટ્રિલિયન ડૉલરને પાર કરી ગઈ છે.
ફોર્બ્સની યાદી અનુસાર, મુકેશ અંબાણી કમાણીના સંદર્ભમાં, વિશ્વના બીજા સૌથી વધુ નફાકારક લાભાર્થી બની ગયા છે, જેમની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં 27.5 બિલિયન ડોલર વધીને 119.5 બિલિયન ડોલરના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. જો કે, શેરબજારમાં વધઘટને કારણે, તેમની વર્તમાન નેટવર્થ 108.3 બિલિયન ડોલર છે. ફોર્બ્સે દાવો કર્યો છે કે, આ નેટવર્થ સાથે મુકેશ અંબાણી હાલમાં વિશ્વના 13મા સૌથી ધનિક વ્યક્તિ છે. જોકે, અન્ય એજન્સી બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઈન્ડેક્સે, મુકેશ અંબાણીને વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 14મા સ્થાને રાખ્યા છે.
ફોર્બ્સ અનુસાર, ભારતના ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં ગૌતમ અદાણી પરિવાર (સંયુક્ત સંપત્તિ) 116 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. સાવિત્રી જિંદાલ પરિવાર 73.7 બિલિયન ડોલરની સંપત્તિ સાથે, ત્રીજા સ્થાને છે. શિવ નાડાર 40.2 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે, ચોથા ક્રમે અને દિલીપ સંઘવી પરિવાર 32.4 બિલિયન ડોલરની સંપતિ સાથે પાંચમા ક્રમે છે. આ સિવાય રાધાકૃષ્ણ દામાણી પરિવાર, સુનીલ મિત્તલ પરિવાર, કુમાર મંગલમ બિરલા, સાયરસ પૂનાવાલા અને બજાજ પરિવાર સૌથી ધનિક ઉદ્યોગપતિઓની ટોપ 10 યાદીમાં સામેલ છે.
ફોર્બ્સના રિપોર્ટમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે, પ્રથમ વખત દેશના સો સૌથી ધનિક લોકોની સંયુક્ત સંપત્તિ એક ટ્રિલિયન ડૉલરને વટાવી ગઈ છે. હાલમાં આ સો લોકોની કુલ સંપત્તિ 1.1 ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચી ગઈ છે. ફોર્બ્સે ઉદ્યોગપતિઓની સંપત્તિમાં આ વધારાનું મુખ્ય કારણ શેરબજારમાં મજબૂત વધારો દર્શાવ્યો છે.
What's Your Reaction?






