પૂર બાદ વડોદરા શહેરમાં પડેલા 15326 ખાડાઓ પેચવર્ક થકી કરાયા દુરસ્ત

વડોદરા/અમદાવાદ : ભયાનક પૂરની અસરથી વડોદરાને મુક્ત કરવાના પ્રયાસો આયોજનબદ્ધ રીતે,વિવિધ ક્ષેત્રોમાં એકસાથે થયાં. જેમાં રસ્તાઓના સમારકામ અને વિવિધ ટેકનીકસ પ્રયોજીને ખાડા પૂરવાના કામોનો સમાવેશ થાય છે. પૂર બાદ શહેરમાં માર્ગો ઉપર પડેલા 15326 ખાડાઓને પેચવર્ક કરી દુરસ્ત કરવામાં આવ્યા છે.મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, શહેરમાં મહાપાલિકા હસ્તક કુલ 1837 કિલોમીટરના માર્ગો છે.જેમાં 18 મીટર કે તેનાથી વધુ પહોળાઈ ધરાવતા 742 માર્ગો, તેનાથી ઓછી પહોળાઈ ધરાવતા 1095 રસ્તાઓ છે. ભારે
વરસાદ અને તે બાદ આવેલા પૂરથી માર્ગોને નુકસાન થયું હતું.
રસ્તાઓનું જરૂરી સમારકામ ઝડપથી કરવા દિવસ અને રાતની બે જુદી જુદી શિફ્ટમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી અને રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા. પૂરના પાણી ઓસરી ગયા તે પછી 30 ઓગસ્ટથી શરૂ કરવામાં આવેલી રસ્તાની દુરસ્તીની કામગીરી સતત ચાલુ રાખવા દરરોજ 32 જેસીબી, 40 ડંપર, 19 નાના ડંપર (એફસી), 60 જેટલા ટ્રેકટર અને 340 જેટલા શ્રમિકોને કામે લગાડીને રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું.પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના સંકલનથી ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી અને શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ, બાપોદ, સવાદ,વારસિયા રિંગ રોડ, ફતેપુરા, હરણી સહિતના વિસ્તારો,પશ્ચિમમાં ભાયલી, ગોરવા, ગોત્રી, વાસણા, તાંદલજા, બિલ, સેવાસી, ઉંડેરા સહિતના વિસ્તારો, ઉત્તરમાં દેણા, સમા, વેમાલી, નિઝામપુરા, પ્રતાપગંજ, છાણી અને દક્ષિણમાં માંજલપુર, મકરપુરા, તરસાલી, ધનિયાવી, વડદલા, વડસર અને કપુરાઇ સહિત લગભગ તમામ અસર પામેલા વિસ્તારોમાં રસ્તાઓને સુધારીને વાહન વ્યવહારને યોગ્ય એટલે કે મોટરેબલ કરવામાં આવ્યા છે.જેમાં પેવર બ્લોક, વેટ મિક્ષ અને હોટ મિક્ષ મટીરીયલ પાથરવા સહિત જરૂરી કામો કરવામાં આવ્યા છે.
આ રસ્તાઓને પૂર્વવત બનાવવા 15326 ખાડાઓને 18249 મેટ્રિક ટન સામગ્રીનો, ઉપયોગ કરીને પૂરવામાં આવ્યા છે અને જરૂરિયાત મુજબ હોટ મિક્ષ, કોલ્ડ મિક્સ અને વેટ મિક્ષ એમ ત્રણેય પ્રકારના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પૈકી 11518 ખાડાઓ પૂરવા 15092 મેટ્રિક ટન હોટ મિક્ષ સામગ્રી અને 3764 ખાડાઓ પૂરવા 3130 મેટ્રિક ટન વેટ મિક્ષ સામગ્રી અને 44 ખાડાઓને 27 મેટ્રિક ટન કોલ્ડ મિક્ષ સામગ્રીનો ઉપયોગ કરીને પૂરવામાં આવ્યા છે.
ઉપમાર્ગો એટલે કે બાય રોડના ખાડાઓનું સમારકામ એક અઠવાડિયામાં પૂરું કરવામાં આવ્યું હતું. મહાનગર પાલિકાએ રસ્તાઓના સમારકામ અને વાહન વ્યવહાર યોગ્ય કરવાની કામગીરીને અગ્રીમતા આપીને તમામ સાધન સામગ્રી અને માનવ બળનો વિનિયોગ કરીને શક્ય તેટલી ઝડપે કરી છે.
What's Your Reaction?






