ફિલિપાઇન્સ અકસ્માતમાં મોતને ભેટેલા વસઈના પરેરા દંપતીના દસ દિવસ બાદ અંતિમ સંસ્કાર

મુંબઈ : ફિલિપાઇન્સના સેબુ શહેરમાં ૧૦ મેના રોજ સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા વસઈના પરેરા દંપતીના મૃતદેહો દસ દિવસ બાદ વતન પરત લાવવામાં આવ્યા. મંગળવારે સવારે ૮.૩૦ વાગ્યે વસઈ વેસ્ટના સેન્ટ થોમસ ચર્ચ ખાતે શોકાતુર વાતાવરણમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
જેરાલ્ડ અને પ્રિયા પરેરા નામના આ દંપતી વસઈના સાડોર ગામમાં નિવાસ કરી રહ્યાં હતાં. મે મહિનાની રજાઓનો લાભ લઇ તેઓ ફિલિપાઇન્સના સેબુ શહેરના પ્રવાસે ગયા હતા. ત્યાં ૧૦ મેના રોજ એક ગંભીર માર્ગ અકસ્માતમાં તેમનું દુર્ભાગ્યવશ અવસાન થયું. દુર્ઘટનાના તરત પછી ઘાયલ હાલતમાં જેરાલ્ડે વસઈના માણિકપુર ચર્ચના પાદરી ફાધર રેમન્ડ રુમાઓને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી, જેના આધારે સમાચાર તેમના કુટુંબજનો અને પરિજનો સુધી પહોંચ્યા.
અન્ય દેશમાંથી મૃતદેહને ભારતમાં લાવવાની પ્રક્રિયા કઠિન અને કાનૂની દ્રષ્ટિએ જટિલ હોય છે, તેમ છતાં પરેરા પરિવારના સંબંધીઓ ફિલિપાઇન્સ ગયા હતા પહોંચીને જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી. આ બધાં પછી બંને મૃતદેહોને ભારત લાવવામાં આવ્યા.
સેન્ટ થોમસ ચર્ચ ખાતે આયોજિત અંતિમ સંસ્કાર દરમિયાન પરિવારજનો, ગામલોકો અને મિત્રમંડળીની મોટી સંખ્યાએ હાજરી આપી અને પરેરા દંપતીને ભાવભીની વિદાય આપી. આ પ્રસંગે ફાધર રેમન્ડે જણાવ્યું હતું કે, "વિદેશથી મૃતદેહ લાવવી અત્યંત મુશ્કેલ પ્રક્રિયા છે, પણ તમામ કાનૂની દાવપેચોને પાર કરીને આ શક્ય બન્યું. સમગ્ર સમાજ આ દુઃખમાં પરિવાર સાથે છે."
What's Your Reaction?






