સુરત: શહેરની સુરક્ષા માટે વર્ષનો ₹42 કરોડનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ત્રણ એજન્સીઓએ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે શ્રમ વિભાગના લાયસન્સ રીન્યુ કરાવ્યા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ એક દરખાસ્ત રજુ કરવામાં આવી છે જેમાં મ.કે. સિક્યુરિટી, શક્તિ સિક્યુરિટી અને શક્તિ પ્રોટેક્શન ફોર્સ પ્રા. લિ. સામે પોલીસ ફરિયાદ કરવા ભલામણ કરવામાં આવી છે.

પાલિકાએ તાજેતરમાં સિક્યુરિટી ટેન્ડર બહાર પાડ્યા હતા જેમાં 23 એજન્સીઓએ ભાગ લીધો હતો. તેમાં 9 એજન્સીઓ ક્વોલિફાય થઈ હતી, પરંતુ તપાસમાં ત્રણ એજન્સીઓએ ખોટા પ્રમાણપત્ર આપ્યા હોવાનું જણાયું. આ મામલો હવે પોલીસ સુધી પહોંચવાની દિશામાં છે.

સાથે જ એક બીજી વિવાદાસ્પદ બાબત પણ સામે આવી છે. શિવ સિક્યુરિટી સર્વિસ નામની એજન્સી પાલિકાની ભુલને કારણે ટેન્ડર પ્રક્રિયામાંથી બહાર થઈ ગઈ છે. તેમની કામગીરીનો સમયગાળો 2022 થી 2025 હોવા છતાં પાલિકાએ 2027 લખી દીધું હતું. હવે આ મામલે એજન્સી કોર્ટનો દરવાજો ખખડાવે એવી શક્યતા છે.

સ્થાયી સમિતિ આ સમગ્ર મામલે શુક્રવારે નિર્ણય કરશે.