સુરત: સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત દેશના શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન પામતો સુરત શહેર, હવે પોતાની જ અપેક્ષાઓ પર ખરો ઉતરવામાં નિષ્ફળ થઇ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા (SMC)ના રાંદેર ઝોનમાં સફાઈની નબળી કામગીરીને લઈ ભાજપના જ એક માજી કોર્પોરેટરએ પાલિકા સામે ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.

માજી કોર્પોરેટર ઉષાબેન પટેલએ ફરિયાદ નોંધાવી છે કે પાલનપોર વિસ્તારમાં કચરાના ઢગલાં વધી ગયા છે અને વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. તેમણે જણાવ્યું કે, "મારું સમગ્ર વિસ્તાર ફરવું થાય તો લગભગ 50-60 થી વધુ જગ્યાએ કચરો પડેલો જોવા મળે છે. છતાં પણ પાલિકા તરફથી યોગ્ય સફાઈ થઈ રહી નથી."

ઉષાબેન પટેલે જણાવ્યું કે, "જ્યારે કચરાની ફરિયાદ કરવા માટે વોર્ડ ઓફિસમાં ફોન કરીએ, ત્યારે જવાબદાર અધિકારીઓ ફોન રિસીવ પણ કરતા નથી. આમ, સરકારી ફોનનો ઉપયોગ ન થઈ રહ્યો હોય તેવો પ્રશ્ન ઊભો થાય છે."

તેમણે વિશેષ કરીને રાંદેર ઝોનના ફિલ્ડ કર્મચારીઓની કામગીરી પર સવાલ ઉઠાવતાં જણાવ્યું કે, "એમના દાવા મુજબ કર્મચારી ફિલ્ડમાં હોય, પણ હકીકતમાં વિસ્તારમાં ગંદકી એ સાબિત કરે છે કે ફરતે જતાં નથી."

આ અગાઉ પણ સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં નબળી કામગીરી કરનારા કર્મચારીઓની બદલી કરી હતી. છતાં, હજુ પણ કેટલાય વિસ્તારોમાં સફાઈ અંગે ફરિયાદો ચાલુ રહે છે, જેના કારણે સુરતના “નંબર વન” સ્થાન પર પણ હવે જોખમ ઊભું થયું છે.

નાગરિકોના ટેક્સના પૈસાથી ચાલતા તંત્રમાં, જવાબદારીનો અભાવ અને કર્મચારીઓનો ઉત્સાહ ઘટતો જોવા મળે છે, જે સ્થિતીને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.