નવરાત્રી નિમિત્તે જીવદાની મંદિરમાં કડક સુરક્ષા વ્યવસ્થા: 150 સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ

વસઈ: નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને વિરારના પ્રસિદ્ધ જીવદાની મંદિરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીએ (એટીએસ) મંદિરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. ભક્તોના વિશાળ પ્રવાહને નિયંત્રિત કરવા માટે વિવિધ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.
મંદિર પરીસરમાં 150 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના માધ્યમથી ભક્તોની હલચલ પર મોનિટરિંગ કરવામાં આવશે. સશસ્ત્ર પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. વિવા કોલેજના 200 એનસીસી કેડેટ્સ પણ સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ આપશે.
મંદિરના ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર, રાજ્યની આતંકવાદ વિરોધી ટીમ દ્વારા પૂરી ચકાસણી બાદ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
નવરાત્રીના દિવસોમાં જીવદાની મંદિરે લાખો ભક્તો આવે છે. ખાસ કરીને રવિવારે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. શ્રદ્ધાળુઓ માટે સુગમ દર્શન અને સુરક્ષાની ઉત્તમ વ્યવસ્થા માટે, જીવદાની મંદિરમાં ફ્યુનિક્યુલર રાઈડનું સફળ પરીક્ષણ પણ પૂર્ણ થયું છે.
What's Your Reaction?






