મુંબઈ: 08 : મુંબઈ મહાપાલિકાના વોર્ડ ક્રમાંક 35માં આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કુલ 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે, પરંતુ વાસ્તવિક સ્પર્ધા ત્રણ મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો વચ્ચે જ સીમિત રહી છે. આ ત્રિપાખીયા જંગમાં શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથ)ના ઉમેદવાર દિપક મોરે સૌથી મજબૂત દાવેદાર તરીકે સામે આવી રહ્યા છે. કારણ કે દિપક મોરેને અહી રહેતા ગુજરાતી-જૈન અને મુંબઈ રાઉટન પંચાયત, ઈસ્ટ , ઈન્ડિયન કોમ્યુનીટી અને ખ્રિસ્તી મતદારોમાં ઉમળાકેર ઠેરઠેર આવકાર મળી રહ્યો છે.
મલાડ-વેસ્ટ વિસ્તારમાં આવેલા આ વોર્ડમાં 2017ની ચૂંટણીમાં ભાજપના સેજલ દેસાઈએ પ્રથમ વખત ચૂંટણી લડીને જીત મેળવી હતી. જોકે, આ વખતે ભાજપે તેમને ટિકિટ ન આપતા સેજલ દેસાઈ નારાજ થયા હતા અને સત્તાવાર ઉમેદવાર સામે બળવો કરીને ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં પક્ષના મોવડીમંડળની સમજાવટથી તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી. આ ઘટનાથી વોર્ડમાં મતદોરોમાં અસંતોષનો ભાવ દેખાઈ રહ્યો છે.
આ તરફ, કોંગ્રેસના નવા ઉમેદવારને લઈને પણ કાર્યકરો અને મતદારોમાં છુપો રોષ જોવા મળી રહ્યો હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. રાજકીય પંડિતોનું માનવું છે કે, ભાજપ અને કોંગ્રેસ બંનેના આંતરિક અસંતોષનો સીધો લાભ દિપક મોરેને મળી શકે છે. વોર્ડ નંબર 35માં મરાઠી, ગુજરાતી, ઉત્તર ભારતીય, તમિલ અને ખ્રિસ્તી, મતદારોનું નોંધપાત્ર પ્રભુત્વ છે. બિન-મરાઠી મતદારોના મત વહેંચાઈ જવાની સંભાવના હોવાથી મરાઠી મતબેંક અને વિવિધ ભાષી સમાજના મતદારો પર મજબૂત પકડ ધરાવતા મોરેનું પલડું ભારે હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. આ પરિસ્થિતિમાં ત્રિપાખીયા જંગમાં બાજી કોણ મારશે તે જાણવા માટે હવે મતદાનના દિવસે સૌની નજર ટકેલી છે.
Previous
Article