માંગરોળ દુષ્કર્મ કેસમાં ત્રીજો વોન્ટેડ આરોપી ઝડપાયો, રાજસ્થાન ભાગવાનો હતો પ્લાન - મુંબઈ-અજમેર ટ્રેનમાં બેસી રાજસ્થાન ભાગે એ પહેલાં અમદાવાદ સાબરમતી સ્ટેશનથી ઝડપ્યો

માંગરોળ દુષ્કર્મ કેસમાં ત્રીજો વોન્ટેડ આરોપી ઝડપાયો, રાજસ્થાન ભાગવાનો હતો પ્લાન  - મુંબઈ-અજમેર ટ્રેનમાં બેસી રાજસ્થાન ભાગે એ પહેલાં અમદાવાદ સાબરમતી સ્ટેશનથી ઝડપ્યો

અમદાવાદ :  માંગરોળ દુષ્કર્મ કેસનો વધુ એક આરોપી ઝડપાયો છે. આરોપી રામ સજીવન ઉર્ફે રાજુ રામસભત વિશ્વકર્મા અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરની ટ્રેનમાંથી પકડાયો છે. આ આરોપી ટ્રેનમાં રાજસ્થાન જઈ રહ્યો હતો. હવે આરોપીને અમદાવાદથી સુરત લઇ જવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, સુરતના માંગરોળના મોટા બોરસરાની સીમમાં 8 ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. એ બાદ સુરત ક્રાઇમ બ્રાંચને આરોપીઓ માંડવીના તડકેશ્વરમાં હોવાની જાણ થતાં ત્યાં પહોંચી હતી. પરંતુ ત્રણેય આરોપીએ ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન આરોપી મુન્ના કરબલી પાસવાન અંધારામાં ભાગવાની કોશિશ કરવા લાગ્યો હતો. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઇએ તેના પર પિસ્તોલ તાકી દીધી હતી. આમ છતાં આરોપી ભાગી રહ્યો હતો, જેથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને તેમાં તે માત્ર 5 ફૂટથી બચી ગયો. આજે ત્રીજા આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી ફરાર હતો જેને પકડવા માટે 300 પોલીસ કર્મીઓ તપાસ કરી રહ્યા હતા.ત્રીજા આરોપી રાજુને જિલ્લા એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. ટ્રેનમાં બેસી રાજસ્થાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જિલ્લા પોલીસની ટીમ આરોપીનો કબજો લેવા અમદાવાદ રવાના થઈ છે.

આ અંગે એલસીબી પીઆઈ રાજેશ ભટોલે જણાવ્યું હતું કે, માંગરોળ દુષ્કર્મ કેસનો વોન્ડેટ આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્મા મુંબઈ-અજમેર ટ્રેનમાં રાજસ્થાન જતો હોવાની માહિતી મળતા આ માહિતી રેલવે એલસીબીને કરતા રેલવે એલસીબી પીઆઈ હાર્દિક શ્રીમાળી અને તેમની ટીમે અમદાવાદ સાબરમતી સ્ટેશન ખાતેથી ટ્રેનમાંથી ઝડપી લીધો છે અને આરોપીને સુરત ખાતે લાવવાની તજવીજ ચાલુ છે.

ગઈકાલે પોલીસની પૂછપરછમાં શ્વાસની તકલીફ થતા આરોપી શિવશંકરને હોસ્પિટલ ખસેડાયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આજે તેના મૃતદેહની ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડો. ચંદ્રેશ ટેલરની અધ્યક્ષતામાં 5 એક્સપર્ટ ટીમ દ્વારા પીએમ શરૂ કરવામાં આવ્યું છે. વીડિયોગ્રાફી સાથે પીએમ કરવામાં આવી રહ્યું છે. પેનલ પીએમમાં ચાર કલાકનો સમય લાગી શકે છે.

આ 3 આરોપી પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે રાજુ નામનો આરોપી ભાગી છૂટ્યો હતો. ત્યાર બાદ 10 ઓક્ટોબરે બપોર બાદ શિવશંકરને શ્વાસ લેવામાં તકલીફ થતા સુરત સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. જ્યારે મુન્નાની બરાબરની 'ટ્રીટમેન્ટ' થઈ હોવાથી ત્રણ પોલીસકર્મીએ ઊંચકીને કોર્ટમાં લઈ જવો પડ્યો હતો.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow