રાજકોટમાં કેન્સર વોરિયર્સ, નવરાત્રિ ઉત્સવ 2024માં 3000 કેન્સર વોરિયર્સ ગરબે ઘૂમ્યા- સૌથી કઠોર ધર્મ એ માનવ સેવા અને તેની સારવારનો છે: મોરારી બાપુ

રાજકોટમાં કેન્સર વોરિયર્સ, નવરાત્રિ ઉત્સવ 2024માં 3000 કેન્સર વોરિયર્સ ગરબે ઘૂમ્યા- સૌથી કઠોર ધર્મ એ માનવ સેવા અને તેની સારવારનો છે: મોરારી બાપુ

રાજકોટ/અમદાવાદ : રાજકોટમાં કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવ 2024માં 3000 કેન્સર વોરિયર્સ ગરબે ઘૂમ્યા. દેશમાં પહેલીવાર રાજકોટમાં સમગ્ર ગુજરાતમાંથી 3000 કરતા વધુ કેન્સર વોરિયર્સ તેમજ તેમના પરિવારજનો એકસાથે ગરબે ઘૂમ્યા હતા. કેન્સર એટલે કેન્સલ નહીં. કેન્સર મટી શકે છે, કેન્સરને હરાવી શકાય છે. કેન્સર સામે જિંદગીનો જંગ જીતી શકાય છે તેવો મેસેજ આપી કેન્સર યોદ્ધાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. 108 કેન્સરગ્રસ્ત બહેનોએ દેવી કવચની સ્તુતિ સાથે શક્તિનો શંખનાદ કરી જુસ્સો દેખાડ્યો હતો.

કેન્સર વોરિયર્સમાં જોમ જુસ્સો વધારવા અને સમાજમાં કેન્સર પ્રત્યે જાગૃતતા લાવવા કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં ક્લબ યુવીના સહયોગથી સંત મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ‘કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવ 2024’નું આયોજન કર્યું છે. જેમાં કુલ 3000થી વધુ કેન્સર વોરિયર્સે ગરબે ઘૂમી કેન્સરને હરાવવા શક્તિનો શંખનાદ કરી કેન્સરના જંગમાં જીતનો જુસ્સો દર્શાવ્યો હતો.

કેન્સર કેર ફાઉન્ડેશનના અશ્વિન સોલંકીએ જણાવ્યું હતું કે, કેન્સર અંગે જાગૃતિ લાવવા તથા કેન્સર વોરિયર્સમાં આશા તથા જોમ ભરવા કેન્સર કેર ફાઉન્ડેશન સતત કાર્યરત છે. મેં મહિનામાં ફેશન શો કર્યા બાદ 2 ઓક્ટોબરે દેશમાં પ્રથમ વખત અનોખા કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર ક્લબ યુવી ખાતે નવરાત્રિ મહોત્સવ યોજાયો. જેમાં સમગ્ર ગુજરાતના 3000 થી વધુ કેન્સરગ્રસ્ત ભાઇઓ, બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો અને ગરબે ઘૂમી કેન્સર સામે જીતનો જુસ્સો દર્શાવ્યો હતો. આ તકે 108 કેન્સરગ્રસ્ત બહેનો દ્વારા દેવી કવચની સ્તુતિનું પઠન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગરીબ પરિવારની 700 જેટલી દીકરીઓને સર્વાઈકલ વેક્સિનેશ માટેના ગિફ્ટ વાઉચર નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા અને કેન્સરને આગળ વધતું અટકાવવા નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ તકે કથાકાર મોરારી બાપુએ કેન્સર વોરિયર્સ માટે કાર્યરત આ સંસ્થાને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, સૌથી કઠોર ધર્મ એ માનવ સેવા અને તેની સારવારનો છે. આ ધર્મનું બખૂબી નિર્વાહન ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે, તેની પ્રસન્નતા વ્યક્ત કરું છું. કેન્સર વોરિયર દવા-સારવાર સાથેસાથે પોતાનું આત્મબળ અને પ્રાણબળ વધારે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. મોરારિ બાપુએ કેન્સર ઉપર લખાયેલા બંને પ્રેરણાત્મક પુસ્તકો એક 'વ્યસન કેન્સર' લાઇફ સ્ટોરી અને કીન્તસુંગી ટેલ્સ લોકાર્પિત કરીને સંસ્થાને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહન આપ્યું હતું.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow