અમદાવાદના બોપલ-ઘુમા નજીક બોલેરો પીકઅપની ટક્કરથી મહિલાનું દૂઃખદ મોત

અમદાવાદ:અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં ગઈકાલે બપોરના સુમારે એક હ્રદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. મૃતકની ઓળખ પલકબેન શાસ્ત્રી તરીકે થઈ છે, જેઓ સ્કુલમાંથી પોતાના પુત્રને લઇને ઘર તરફ જઈ રહી હતી ત્યારે એક બોલેરો પીકઅપ ચાલકે પુરઝડપે ટક્કર મારતાં આ દુર્ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, બોલેરો પીકઅપ ચલાવનાર વ્યક્તિ નશાની હાલતમાં હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. ટક્કર એટલી ભયંકર હતી કે પલકબેન શાસ્ત્રી આશરે 25 થી 30 ફૂટ હવામાં ફંગોળાઈ ગયા હતા અને માથું ફાટી જતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું.
અપઘાત બાદ બોલેરો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા લોકોની ભીડ એકઠી થઇ ગઈ હતી અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ફરાર ડ્રાઈવર સામે ગફલતભર્યા વાહન ચલાવવાના આરોપ હેઠળ કેસ નોંધાયો છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટના બાદ સ્થાનિકોએ બોપલ-ઘુમા વિસ્તારમાં વધતા ટ્રાફિક અકસ્માતોને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને તંત્રને વાહન વ્યવહાર પર કડક પગલાં લેવા માટે અપીલ કરી છે.
What's Your Reaction?






