ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે ભારત પર આર્થિક અસર, ખાદ્ય તેલ અને હવાઈ ભાડાં વધ્યાં

નવી દિલ્હી | 21 જૂન 2025 : ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ઘેરા પડછાયાં હવે ભારતના બજાર પર પણ દેખાઈ રહ્યા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) ના રાષ્ટ્રીય મંત્રી શંકર ઠક્કર જણાવે છે કે યુદ્ધના કારણે ખાદ્ય તેલ સહિત અનેક આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.
ઠક્કરે જણાવ્યું કે પામ તેલના ભાવમાં 7% થી 8% નો વધારો નોંધાયો છે. યુદ્ધ પહેલા પામ તેલ 1110 રૂપિયા પ્રતિ 10 કિલો હતો, જે હવે 1180 રૂપિયા સુધી પહોંચી ગયો છે. સોયાબીન અને સૂર્યમુખી તેલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
યુદ્ધના કારણે વિમાન માર્ગો બદલાયા છે અને ગલ્ફ દેશોના હવાઈ ક્ષેત્ર બંધ હોવાથી હવાઈ મુસાફરી મહંગી બની છે. હાલમાં હવાઈ ભાડાંમાં 15-20% નો વધારો નોંધાયો છે. ખાસ કરીને યુરોપ અને અમેરિકાની ફ્લાઇટ્સને લાંબા રૂટથી જઈ રહેલી હોવાથી મુસાફરીનો સમય અને ખર્ચ બંને વધ્યા છે.
આ ઉપરાંત, સી ફ્રેઇટ દરમાં 50% સુધીનો વધારો થયો છે અને વીમાનો ખર્ચ પણ વધી રહ્યો છે. લાલ સમુદ્ર અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા મુખ્ય વેપાર માર્ગો પર અવરજવરમાં વિલંબ થયો છે, જેના કારણે નિકાસ ખર્ચ વધે તેવી શક્યતા છે.
વિશેષ કરીને, બાસમતી ચોખાની નિકાસ પર સીધી અસર પડી છે. ગયા વર્ષે ભારતે ઈરાનને રૂ. 6,734 કરોડના બાસમતી ચોખાની નિકાસ કરી હતી, જે હવે અડધા સુધી ઘટી શકે છે. સ્થાનિક બજારમાં બાસમતી ચોખાના ભાવમાં 10-15% ની ઘટાડાની શક્યતા છે.
What's Your Reaction?






