ગુજરાતમાં વરસાદે વિદાય લેતાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, પારડીમાં સૌથી વધુ પોણા પાંચ ઈંચ વરસ્યો

અમદાવાદ:ગુજરાતમાં વરસાદે વિદાય લેતાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો. વલસાડના પારડીમાં સૌથી વધુ પોણા પાંચ ઈંચ વરસ્યો. ગુજરાતમાં વરસાદના લાંબા વિરામ બાદ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ પારો 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાથી લોકો બફારાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. બીજી બાજુ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે. આમ મંગળવારથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને પાણી પાણી કરી દીધું છે. સોમવારે રાત્રિના સમયે વડોદરા, દાહોદ, મહીસાગર અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોને ભાદરવામાં અષાઢ મહિનાની યાદ અપાવી દીધી હતી. સોમવારે રાજ્યમાં સૌથી વધુ વલસાડના પારડીમાં પોણા પાંચ ઈંચ વરસ્યો હતો. એક તરફ વરસાદના કારણે લોકોને ભાદરવાની ગરમીમાં રાહત મળી છે તો બીજી તરફ નવરાત્રિ નજીક હોઇ તે પહેલાં જ મેઘરાજા ખમૈયા કરે અને વિદાય લે તેવી ખેલૈયાઓ અને ગરબા આયોજકો પ્રાર્થના કરી રહ્યા છે.
પંચમહાલના ગોધરા અને આસપાસના વિસ્તારમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસતા શહેરની મેસરી નદી બે કાંઠે વહેતી થઈ હતી.ગોધરામાં મોડીરાતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ ગોધરા સહિત આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા સાથે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે ગોધરાના શહેરા ભાગોળ, વાલ્મિકી વાસ, સિંધુરીમાતા મંદિર, ખાડી ફળિયા, ચિત્રાખાડી, ભુરાવાવ વિસ્તાર, અંકલેશ્વર મહાદેવ રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
રાજ્યમાં અને ઉપરવાસમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વરસાદ વરસવાના કારણે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ થઈ ચૂક્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોય ડેમ ગમે ત્યારે છલકાય તેવી શક્યતા છે. ડેમની મહતમ સપાટી 138.68 મીટર છે ત્યારે મંગળવારે સવારે 6 કલાકે 138.26 મીટરે પહોંચી છે. ડેમમાંથી હાલ 75 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણએ વડોદરા જિલ્લાના ડભોઈ, શનિવારો, કરજણ તાલુકાના નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં ચોમાસાની વિદાય નજીક આવી છે. ત્યારે પણ કેટલાક જિલ્લાઓમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 16 જિલ્લાના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડીના પારડીમાં 5 ઈંચ વરસ્યો હતો.
What's Your Reaction?






