મીરા રોડમાં એક ચોરે વૃદ્ધ મહિલાને 8 કલાક ઘરમાં ગોંધી રાખીને માર માર્યો: ઘરમાં એકલા રહેતા હોવાનો લાભ લીધો

મુંબઈઃ ઘરમાં એકલા રહેતા 72 વર્ષના વૃદ્ધને ચોરે માર માર્યો હતો. એટલું જ નહીં તેણે વૃદ્ધને છેક 8 કલાક સુધી ગોંધી રાખ્યા હતા. આ હુમલામાં વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઘાયલ થયા છે અને નયા નગર પોલીસ ફરાર થયેલાં ચોરને શોધી રહી છે.
મીરા રોડના નયા નગરમાં લક્ષ્મી પાર્ક ઈમારતના ત્રીજા માળે ૭૨ વર્ષના ફાતિમા જુવાલે નામની વૃદ્ધ મહિલા ઘરમાં એકલી રહે છે. બુધવારે રાતે આશરે ૯.૩૦ વાગ્યે, એક ઇસમ ઇલેક્ટ્રિશિયન હોવાનું કહીને વૃદ્ધ મહિલાના ઘરમાં પ્રવેશ્યો હતો. એ બાદ તેણે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. વૃદ્ધાને તરત જ ઇસમ પર શંકા ગઈ અને તેમણે બચાવ માટે બૂમો પાડવા લાગ્યા હતા. જેથી ચોરે વૃદ્ધાને માર મારીને ચૂપ કરી દીધા હતા અને ઘરની શોધખોળ કરવા છતાં તેને કંઈ મળ્યું ન હતું. જેથી તેણે વૃદ્ધ મહિલાના હાથમાંથી સોનાની બંગડી લઈ લીધી હતી. તેમ જ ચોરને ઈમારતના નીચે આવેલી દુકાનો શરૂ હોવાથી નાસી નીકળવું કઠિણ હોવાનું ધ્યાનમાં આવતાં સતત આઠ કલાક તેમને ઘરમાં ગોંધી રાખ્યા હતા. તેમ જ આ વિશેની માહિતી કોઈને આપશે તો તે ફરી આવીને મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો.
આ દરમિયાન તેણે વૃદ્ધ મહિલાને ઘણી વખત માર મારીને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. સવારે પાંચ વાગ્યાની આસપાસ ચોર ભાગી છૂટ્યો હતો. પરંતુ, ઈજાગ્રસ્ત મહિલા મોડી સવારે જાગી ત્યારે તેમના સંબંધીઓને આ ઘટનાની જાણ થતાં જ તેઓએ સાંજે નયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે નયા નગર પોલીસ મથકમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






