મુંબઈ: રાજકોટના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ લંબાઈની પ્રતિમા તૂટી પડતા સમગ્ર મહારાષ્ટ્રમાં રોષની લહેર ફેલાઈ ગઈ છે. આ મામલે મહાયુતિ સરકારની ટીકા થઈ રહી છે, ત્યારે હવે કોલ્હાપુર પોલીસે છત્રપતિ શિવાજી મહારાજના સ્ટેચ્યુ સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલની ધરપકડ કરી છે. સિંધુદુર્ગ પોલીસે ચેતન પાટીલનું નામ આપ્યું હતું, અને કોલ્હાપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ કરી હતી.

    એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ચેતન પાટીલની ગઈકાલે રાતે 12.30 વાગ્યાની આસપાસ ધરપકડ કરવામાં આવી હતી અને એ બાદમાં તેને સિંધુદુર્ગ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પ્રતિમા તૂટી પડવાના કેસમાં આ પહેલી ધરપકડ છે. પોલીસે જણાવ્યું કે, તપાસ ચાલુ છે. પાટીલની પુછપરછ અને તપાસના આધારે  અન્ય આરોપીઓની આ કેસમાં ધરપકડ કરાશે.

ઉલ્લેખનિય છે કે, છત્રપતિ શિવાજી મહારાજની કાયમી યાદગીરીરૂપે સિંધુદુર્ગ જિલ્લામાં માલવણના રાજકોટ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ લંબાઈની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 4 ડિસેમ્બર 2023ના કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા કુલ 43 ફૂટ ઉંચી હતી. તેમાં જમીનથી 15 ફૂટનું માળખું હતું અને તેના પર 28 ફૂટ ઊંચી પ્રતિમા ઊભી હતી. આ ભવ્ય પ્રતિમા 26 ઓગસ્ટના બપોરે અચાનક તૂટી પડી હતી. આ પ્રતિમા તુટી પડવા પાછળનું કારણ શું હતું? તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ આનાથી લોકોમાં રોષનું મોજું ફરી વળ્યું છે. વિપક્ષે આ મામલે સરકારની આકરી ટીકા કરી છે.