જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું, ગૃહ મંત્રાલયે આદેશ જારી કર્યો

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાંથી લાદવામાં આવેલ રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે, રવિવારે મોડી રાત્રે એક આદેશ જારી કર્યો હતો અને આ સંબંધમાં 31 ઓક્ટોબર, 2019 ના પહેલાના આદેશને રદ કર્યો હતો. આ રીતે જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચનાનો રસ્તો સાફ થઈ ગયો છે.
ગૃહ મંત્રાલયે આદેશમાં જણાવ્યું હતું કે, "જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની કલમ 54 હેઠળ જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના સંદર્ભમાં 31 ઓક્ટોબર, 2019 ના રોજનો આદેશ, મુખ્યમંત્રીની નિમણૂકથી તરત પહેલા રદ કરવામાં આવે છે." ઑક્ટોબર 13, 2024ના તાજેતરના આદેશે કેન્દ્રના 5 વર્ષ જૂના ઓર્ડરને રદ કર્યો છે. આ આદેશના અમલ સાથે જ ઉમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નવી સરકારને, આગામી સપ્તાહમાં શપથ લેવાની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે.
નોંધનીય છે કે, 05 ઓગસ્ટ 2019 ના રોજ કલમ 370 નાબૂદ કર્યા પછી, જમ્મુ અને કાશ્મીરમાં 31 ઓક્ટોબર 2019 ના રોજ કેન્દ્રીય શાસન લાગુ કરવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 સંસદ દ્વારા 05 ઓગસ્ટ 2019 ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. તે જ તારીખે રાજ્યને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ એમ બે ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. બંનેને કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એક ઐતિહાસિક પગલું ભરતાં સરકારે આ ક્ષેત્રને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી હતી.
What's Your Reaction?






