લાડકી બહેન યોજનાની પ્રક્રિયા માટે તોફાની ધસારો: નાલાસોપારાની બેન્ક ઓફ બરોડાની શાખા પર મહિલાઓની ભારે ભીડ ઉમટી
પ્રીતિ ખુમાણ ઠાકુર
મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલી લાડકી બહિણ યોજનાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નાલાસોપારા સ્થિત બેન્ક ઓફ બરોડાની ગાલા નગર શાખામાં મહિલાઓની ભીડ ઉમટી પડી છે. સેંકડો મહિલાઓ એક સાથે આવી રહી હોવાથી, બેન્ક મેનેજમેન્ટ તેમની વ્યવસ્થા બનાવવા માટે મથામણ કરી રહ્યું છે. બેન્ક ભીડને નિયંત્રિત અને અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે પોલીસ બંદોબસ્તની બેન્ક પ્રશાસને માગણી કરી છે.
લાડકી બહિણ યોજના માટે, મહિલાઓ માટે આધાર કાર્ડ અને અકાઉન્ટને KYC લિંક કરવું ફરજિયાત છે. આ માટે રાષ્ટ્રીયકૃત બેન્કમાં ખાતું હોવું જરૂરી છે. નાલાસોપારા-ઈસ્ટમાં ગાલા નગરમાં બેન્ક ઓફ બરોડાની શાખા છે. આ વિસ્તારમાં તેમાંથી મોટાભાગની મહિલા મજૂર અને ગરીબી રેખા નીચે છે. 11 વર્ષ પહેલા જ્યારે બેન્ક શરૂ થઈ ત્યારે હજારો મહિલાઓએ ઝીરો અકાઉન્ટ ખાતા ખોલાવ્યા હતા. તેમાંથી ઘણા ખાતા હવે બંધ થઈ ગયા છે. આ યોજના માટે, આ મહિલાઓએ ખાતું ફરીથી ખોલવા, આધાર લિંક કરવા વગેરે પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. મહિલા ગ્રાહકને 10 થી 15 મિનિટનો સમય લાગે છે તેથી ભારે ધસારો જોવા મળે છે.
ભીડ મર્યાદા કરતાં વધી જશે તો અનિચ્છનીય ઘટનાની ભીતી
બેન્ક ઓફ બરોડામાં લગભગ 30 હજાર ખાતાધારકો છે. તેમાં મહિલાઓની સંખ્યા વધુ છે. આ વિશે બેન્ક મેનેજર અનિલ ચવ્હાણે જણાવ્યું હતું કે, 'આ યોજનાની બેન્ક પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ભારે ધસારો છે. અમારી બેન્કની શાખા નાની છે. એક સમયે માત્ર 30 થી 40 લોકો જ પ્રવેશ કરી શકે છે. જેથી ભીડને કારણે કામ કરવું મુશ્કેલ બન્યું છે. બેન્કમાં હાલમાં 8 થી 9 લોકોનો સ્ટાફ હોય છે. દરેક ગ્રાહકને 15 મિનિટનો સમય આપવો પડતો હોવાથી બેન્ક કર્મચારીઓ પણ થાકી ગયા છે. જેથી હવે અમે ગ્રાહકોને કતારમાં ઉભા રાખીએ છીએ અને 10 લોકોને વારા ફરથી અંદર જવા દઈએ છીએ. અત્યાર સુધી અમે 10 હજાર મહિલા ખાતાધારકોના બેન્ક ખાતા અપડેટ કર્યા છે અને 2 હજારથી વધુ ખાતા હજુ પેન્ડિંગ છે. બેન્કે પોલીસને પહેલાથી જ ધસારાના આયોજન માટે પત્ર આપી દીધો છે. પરંતુ, બેન્કના પૂર્ણ સમય સુધી અમને પોલીસ બંદોબસ્ત મળ્યો નથી. એથી બેન્કે માગણી કરી છે કે જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ સુરક્ષા આપવામાં આવે. જો ભીડ મર્યાદા કરતાં વધી જશે તો અનિચ્છનીય બનાવ બનવાનો ભય પણ તેમણે વ્યક્ત કર્યો છે.'
What's Your Reaction?






