વડાપ્રધાન મોદી, આજે બ્રુનેઈથી સિંગાપુર જવા રવાના થશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે બ્રુનેઈની મુલાકાત પૂર્ણ કરીને સિંગાપુર જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સિંગાપોરમાં રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વડા પ્રધાન લોરેન્સ વોંગ, વરિષ્ઠ પ્રધાનો લી સિન લૂંગ, ગોહ ચોક ટોંગને મળશે. વડાપ્રધાન સિંગાપોરના વેપારી સમુદાયના નેતાઓને પણ મળશે. વડા પ્રધાનની બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસીય રાજકીય મુલાકાત, ગઈકાલે (મંગળવારે) શરૂ થઈ હતી. તેઓ તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં ગઈકાલે બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાન પહોંચ્યા હતા.
આજે સિંગાપોર જતા પહેલા વડાપ્રધાન મોદી, બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલિકાયાહ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં સંરક્ષણ અને ઉર્જા સંબંધો પર ચર્ચા થવાની આશા છે. વડાપ્રધાન મોદી, આજે સુલતાન હસનલ બોલ્કિયાના સત્તાવાર નિવાસસ્થાન ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસમાં લંચ લેશે. આ વિશ્વનો સૌથી મોટો મહેલ છે. આ મહેલનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. તેમાં 1,788 રૂમ, 257 બાથરૂમ અને 38 પ્રકારના માર્બલથી બનેલા 44 દાદર છે. વડાપ્રધાન મોદીના એક્સ હેન્ડલ પર બ્રુનેઈની કેટલીક યાદગાર ક્ષણોની તસવીરો સાથે સંક્ષિપ્ત વર્ણન પણ શેર કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદી, દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થિત ભૌગોલિક રીતે નાના દેશ બ્રુનેઈની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન મોદીએ, બ્રુનેઈમાં ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. તે હાલના સુલતાનના પિતાએ બંધાવી હતી. તેમણે ભારતીય હાઈ કમિશન ખાતે, નવા ચાન્સરી કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. બંને જગ્યાએ તેમણે ભારતીયો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાનનું વિશેષ વિમાન, ગઈકાલે સાંજે બ્રુનેઈ દારુસલામ એરપોર્ટ પર ઉતર્યું હતું. વડાપ્રધાન મોદીનું, એરપોર્ટ પર પ્રિન્સ અલ-મુહતાદી બિલ્લાએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર વડાપ્રધાન મોદીને, ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. બ્રુનેઈ ઊર્જા ભંડારની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે. ભારત હજુ પણ બ્રુનેઈમાંથી નોંધપાત્ર પ્રમાણમાં ક્રૂડ ઓઈલની આયાત કરે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે, ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, બ્રુનેઈમાં ભારતીયોના આગમનનો પ્રથમ તબક્કો 1920ના દાયકામાં તેલની શોધ સાથે શરૂ થયો હતો.
હાલમાં બ્રુનેઈમાં લગભગ 14,000 ભારતીયો રહે છે. પ્રવાસ શરૂ કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને બ્રુનેઈ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 40 વર્ષ પૂરા થવાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. બ્રુનેઈ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "મને આશા છે કે અમે બ્રુનેઈ સાથે ખાસ કરીને વ્યાપારી અને સાંસ્કૃતિક ક્ષેત્રે વધુ મજબૂત બનીશું."
What's Your Reaction?






