વસઈ: વસઈ-વિરારમાં કબૂતરોની વધતી સંખ્યા અને તેના કારણે ફેલાતા રોગો એ ગંભીર સમસ્યા બની ગઈ છે. વસઈ-વિરાર મ્યુનિસિપલ પ્રશાસન દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી અથવા ઉપાય ન કરવાને કારણે નાગરિકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે. આ વિશે મળેલી માહિતી મુજબ, નવઘર મણિકપુર વિભાગના અંબાડી રોડ પર આવેલી મહાપાલિકા કાર્યાલય સામે જ ચણા વેચનારાઓ કબૂતરોને ચણા અને અન્ય વસ્તુઓ ખવડાવતા દેખાઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યલાય સામે જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલુ છે, અને સ્થાનિક નાગરિકો પણ આ પક્ષીઓને ખવડાવી રહ્યા છે. હવે આ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવો જરૂરી બની ગયો છે. અહીં હજારો કબૂતરોએ પોતાનું વાસ બનાવ્યું છે, જેના કારણે સ્કાયવોક કબૂતરના માળથી ભરાઈ ગયો છે. અહીંથી પસાર થતા લોકો, વાહનો અને પાર્ક કરેલા વાહનો પણ આ માળથી પ્રદૂષિત થઈ રહ્યા છે, જેના કારણે ગંભીર રોગો ફેલાવાનો ખતરો વધ્યો છે. કબૂતરની માળના કારણે હિસ્ટોપ્લાઝમોસિસ, કેન્ડિડિયાસિસ, અને ક્રિપ્ટોકોકોસિસ જેવા ફેફસાના ગંભીર રોગો ફેલાય છે, જે પછીથી કેન્દ્રિય નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે. દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ડોકટરોના મતે, કબૂતરની માળ અને પાંખ સાથેના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી માનવ આરોગ્ય પર ગંભીર જોખમ ઉભું થઈ શકે છે. તાજેતરની કેસ સ્ટડી દર્શાવે છે કે કબૂતરને ખવડાવવું અને તેના નજીક રહેવું માનવ આરોગ્ય માટે એક મોટું જોખમ બની શકે છે. તજજ્ઞોના મતે, કબૂતરની માળમાં ફૂગ અને બેક્ટેરિયા હોય છે, જે માનવ આરોગ્યને નુકસાન પોંચાડી શકે છે. કબૂતરની માળથી રાઇનાઇટિસ, ત્વચા એલર્જી, આંખમાં લાલાશ, અને સાઇનસાઇટિસ જેવા રોગો થવાની શક્યતા હોય છે. જો સમયસર આ રોગોનું નિદાન અને સારવાર ન થાય તો શ્વસન માર્ગના ગંભીર રોગો થઈ શકે છે. અમુક વર્ષો પહેલા, મ્યુનિસિપલ પ્રશાસન દ્વારા આ વિસ્તારમાં પક્ષીઓને ખવડાવવું નહીં તેવા બોર્ડ લગાવ્યા હતા, જે હવે ગાયબ થઈ ગયા છે. સૌથી પહેલા અહીંના ચણા વેપારીઓ પર કડક કાર્યવાહી કરવી અત્યંત આવશ્યક છે. આ મુદ્દે ‘H’ વિભાગ સમિતિના સહાયક કમિશનર મનોજ વનમાળી સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે ખાતરી આપી કે આ સમસ્યાને તરત જ પગલા ભરવામાં આવશે અને સંબંધિત વેપારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.