લાલબાગચા રાજામાં જાહેર, વીઆઈપી લોકો સાથે અલગ વર્તન કરવામાં આવ્યું: મુંબઈ પોલીસને ફરિયાદ

વકીલોએ જણાવ્યું કે, લાલબાગચા રાજામાં ભગવાન ગણેશના દર્શન વખતે સામાન્ય લોકો સાથે આવો વ્યવહાર વર્ષોવર્ષ થતો રહ્યો છે
મુંબઈ: મોદી સરકાર સત્તામાં આવી ત્યારે દેશમાંથી વીઆઈપી કલ્ચરને નાબુદ કરવા માટે કેટલાક પગલા ભરાયા જેમાં વાહનો પર લાલ લાઈટથી લઇને અનેક નિયમો જાહેર કરાયા પરંતુ હજુ દેશમાં ધાર્મીક સ્થાનો પર વીઆઈપી કલ્ચર જોવા મળી રહ્યુ છે, આવો જ કિસ્સો મુંબઇમાં ગણેશોત્સવ દરમિયાન બહાર આવ્યો છે. દેશ અને દુનિયામાં ગણેશોત્સવ દરમિયાન મુંબઈના લાલબાગચા રાજાનું શ્રદ્ધાપુર્વક ભાવિકોમાં અનેરૂ મહત્વ છે, પરંતુ હાલમાં સામાન્ય અને વીઆઈપી લોકોમાં ભેદભાવનો મામલો મુંબઈ પોલીસમાં પહોચ્યો છે. બોમ્બે હાઈકોર્ટના બે વકીલોએ લાલબાગચા રાજા ખાતે ભગવાન ગણેશના ચરણોમાં પ્રાર્થના કરવા આવે ત્યારે સામાન્ય લોકો અને વીઆઈપી ભક્તો સાથે અલગ-અલગ વ્યવહાર કરવામાં આવતો હોવાનો દાવો કર્યો હતો તે અંગે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભગવાન ગણેશના ચરણોમાં પ્રાર્થના કરતી વખતે પંડાલ સ્ટાફ લોકોને ધક્કો મારતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્ટાફની પાછળ, લોકોનું બીજું જૂથ શાંતિથી ઊભું અને કેમેરામાં સેલ્ફી માટે હસતું જોવા મળ્યું. પંડાલના કર્મચારીઓએ તેમને તાત્કાલિક ત્યાંથી જવાનું કે ધક્કો મરાયો નહોતો. બીજી તરફ વાયરલ વિડિયોમાં સામાન્ય ભકતો બાપ્પાના ચરણોમાં નમી રહ્યા છે, ત્યારે તેમને ધક્કો મારીને તુંરત હટવાતા જોવા મળ્યા છે, જયારે બીજી તરફ સ્પેશીયલ એન્ટ્રીથી આવતા વીઆઈપી ભક્તો માટે કોઈ નિયમ નથી જોવા મળતો.
વકીલોએ ફરિયાદમાં શું કહ્યું?
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, લાલબાગ ગણપતિ બાપ્પા મહારાજના પંડાલમાં બાપ્પાના દર્શન વખતે સંચાલકો નાના લાચાર બાળકો, મહિલાઓ, વૃદ્ધ દંપતીઓ, વિકલાંગ વ્યક્તિઓ અને સગર્ભા મહિલા મુલાકાતીઓ સાથે દર્શન દરમિયાન ભેદભાવ કરે છે. વકીલોએ ફરિયાદમાં કહ્યું છે કે વીઆઈપી-નોન-વીઆઈપી દર્શન હેઠળ પંડાલમાં આયોજકો અને અન્ય લોકો દ્વારા સામાન્ય દર્શનાર્થીઓને માર મારવામાં આવે છે, દુર્વ્યવહાર કરવામાં આવે છે, અને અમાનવીય રીતે અત્યાચાર ગુજારવામાં આવે છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે, બેદરકારી ભરી આ પ્રણાલીને કારણે દર્શન સ્થળે દુર્ઘટના પણ થઈ શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય તમામ સરકારી અધિકારીઓ અને પંડાલના સંસ્થાપક સહિત પંડાલ મેનેજર બાપ્પાના પંડાલમાં હાજર હતા. આવી વ્યવસ્થા અત્યંત ખરાબ છે, વકીલો, આશિષ રાય અને પંકજકુમાર મિશ્રાએ મુંબઈ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, લાલબાગચા રાજામાં ભગવાન ગણેશના દર્શન વખતે સામાન્ય લોકો સાથે આવો વ્યવહાર વર્ષોવર્ષ થતો રહ્યો છે.
શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને પ્રાર્થના કરી હતી. ત્યારે વીઆઈપી દર્શનાથીઓમાં ભાજપના જ કેટલાક નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ સામેલ હતા, એથી હજુપણ ધાર્મીક સ્થાનો પર વીઆઈપી અને સામાન્ય ભક્તો માટે અલગ માપદંડ જોવા મળે છે.
What's Your Reaction?






