આગામી એક દાયકામાં એઆઈ ટેકનોલોજી ક્રુડ ઓઇલના ભાવને નીચે જવામાં દબાણ ઉભું કરશે : અમેરિકન ગેસોલીન (પેટ્રોલ) વાયદો ૬ ટકા ઘટીને ડીસેમ્બર ૨૦૨૧નાં તળિયે 

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ: લિબીયાના ક્રુડ ઓઈલ ઉત્પાદનમાં આવેલા વ્યાવ્ધાનોનો અંત આવી જવા સાથે ઓપેક પ્લસ દેશો, વર્ષાંત પહેલા ઉત્પાદન વધારશે, એવા અનુમાનો પર બજારનું સેન્ટિમેન્ટ નબળું પડી જતા, ભાવ ૧૫ મહિનાના તળિયે બેસી ગયા હતા. પરંતુ ઓપેકના કેટલાંક સભ્યો અનુસાર દૈનિક ૧.૮૦ લાખ બેરલ ઉત્પાદન વૃદ્ધિનો નિર્ણય, ઓપેક મુલતવી રાખે તેવી સંભાવના છે. ડબ્લ્યુટીઆઈ ક્રુડ ઓઈલ ઓક્ટોબર વાયદો પ્રતિ બેરલ ઘટીને ૬૯.૧૯ ડોલર અને બ્રેન્ટ નવેમ્બર વાયદો ગુરુવારે ઇન્ટ્રાડેમાં ૭૨.૭૪ ડોલર મુકાયો હતો. લીબીયન સેન્ટ્રલ બેન્કે કહ્યું હતું કે વિવાદીત લીબિયાન જૂથ વચ્ચે સમજુતીના કરાર થઇ જતા અમે પુન: ઓઈલ ઉત્પાદન શરુ કરવા સક્ષમ છીએ.   

લિબીયાન નેશનલ ઓઈલ કોર્પોરેશને કહ્યું હતું કે ૨૦ જુલાઈ સુધી અમે દૈનિક ૧૨.૮ લાખ બેરલ ઉત્પાદન કરતા હતા, તે ઓક્ટોબર આરંભથી શરુ થયેલા વિવાદો સર્જાવાને કારણે ૨૬ ઓગસ્ટ આવતા સુધીમાં ઘટીને ૫.૯૧ લાખ બેરલે પહોચી ગયું હતું. બરાબર ઓક્ટોબરથી જ ઓપેક પ્લસ દેશોએ ઉત્પાદન નિયંત્રણો ઢીલા કરી નાખતા, તેજીવાળા સતત ચિંતામાં મુકાઈ ગયા હતા. સોમવારે યમની હુથી વિદ્રોહીઓએ બે ઓઈલ ટેન્કરો પર હુમલા કરતા મધ્યપુર્વથી સપ્લાય અટકી પડશે, એવા ભય છતાં, ભાવને ઉપર જવાનો માર્ગ મોકળો થયો નાં હતો. 

આપણે જોઈ રહ્યા છીએ કે ઓપેક પ્લસ દેશો સપ્લાય વધારવા ઉત્સુક છે, પણ અમેરિકા અને આખા જગતમાં ક્યાય એવી માંગ નથી જણાતી, કે જે આ ઉત્પાદન વધારાને ખામી ખાય. ભાગ્યેજ બનતી ઘટનાઓમા ઘણી બધી કોમોડીટીના ભાવ ઘટી ગયા છે. તમે જુઓ કૃષિબજારમાં સોયાબીન, ઘઉં, ચોખા, મકાઈ, મેટલ બજારમાં તાંબુ, લીથીયમ, આયર્ન ઓર બધીજ કોમોડીટીમાં ઘસારો લાગુ પડ્યો છે, જ્યારે શેરબજારો ઉપર જઈ રહ્યા છે.

ગોલ્ડમેન સાસે એક અહેવાલમાં કહ્યું હતું કે આગામી એક દાયકામાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એ આઈ) ટેકનોલોજી ભાવને નીચે જવામાં દબાણ ઉભું કરશે. આ ટેકનોલોજીથી એક તરફ ક્રુડ ઓઇલના વહનના દિશાદોર બદલીને સપ્લાય ખર્ચમાં મોટો ઘટાડો કરશે. સાથેજ જમીનમાંથી સસ્તા સ્ત્રોત શોધીને નફાકારકતા વધારવામાં આવશે. આને લીધે ભાવ સતત દબાણમાં આવશે, અને ઉત્પાદકોની આવકમાં પણ ઘટાડો કરશે. જો એઆઇ ટેકનોલોજીનો વહેલો ઉપયોગ શરુ કરવામાં આવશે તો, એવું માનવામાં આવે છે કે ૨૫ ટકા જેટલી ઉત્પાદકતા વૃદ્ધિ શક્ય બનશે. ગોલ્ડમેન એવું પણ માને છે કે આગામી ૧૦ વર્ષમાં નેચરલ ગેસ અને પાવર જનરેશનમાં ઘટનારી માંગ એઆઇનાં આધુનિક અન્ય ઉપયોગોને કારણે ક્રુડ ઓઈલની માંગ વધી શકે છે.

વર્તમાન ભાવ ઘટાડો કહે છે કે ચીન તેના અર્થતંત્રનાં વિકાસમાં સંઘર્ષ કરી રહ્યું હોવાથી, ચીનની આગેવાનીમાં ક્રુડ ઓઈલની માંગમાં નબળાઈ આવી શકે છે, બીજી તરફ પુરવઠા વૃધ્ધી એ ચિંતામાં વધારો કર્યો છે. અમેરિકન ઉનાળાની ડ્રાયવીંગ સિઝન, જાગતિક માંગમાં કેટલો વધારો કરે છે, તેના તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અલબત્ત, અમેરિકન ગેસોલીન (પેટ્રોલ) વાયદો ૬ ટકા ઘટીને ડીસેમ્બર ૨૦૨૧નાં તળિયે બેસી ગયો હતો.          

વાસ્તવિકતા એ છે કે, તાજેતરના ડેટા જોઈએ તો ચીન, યુરોપ કે ઉત્તર અમેરિકાથી ક્રુડ ઓઈલની આયાત માંગમાં કોઈ વધારો નથી થયો. આનો અર્થ એ થાય કે થોડા મહિના અગાઉ બજાર માંગ વૃદ્ધિ અપેક્ષિત મનાતી હતી, તેમાં કોઈ વધારો નથી થયો. ચીનથી આવતા અહેવાલો કહે છે કે આ વર્ષે ઓગસ્ટમાં નવા ઘરો/મકાનોની કીમતમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે, અને જુલાઈમાં પહેલી વખત છેલ્લા ૮ મહિનામાં નવા આયાત ઓર્ડરો પણ ઘટ્યા છે.  

(અસ્વીકાર સુચના: ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)