મુંબઈઃ માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તુટી જવાની ઘટના બાદ સાવચેતીના પગલા તરીકે મીરા-ભાઈંદર મહાનગરપાલિકા પ્રશાસને મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર મીરા રોડ પર ઘોડબંદર નજીક છત્રપતિ શિવાજી મહારાજની નવી ઉભી કરાયેલી પ્રતિમાનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવવાનો નિર્ણય લીધો છે.
મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2019માં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ઘોડબંદર વિસ્તારમાં સગનાઈ દેવી મંદિર પાસેના ઐતિહાસિક ઘોડબંદર કિલ્લા તરફ જતાં મુખ્ય ચોકમાં છત્રપતિ શિવાજી મહારાજની 3 રૂપિયા લોકાર્પણ 50 ફૂટની બ્રોન્ઝ ધાતુની પ્રતિમા ઊભી કરવાનો નિર્ણય લીધો હતો. આ પ્રતિમા બનાવવાનું કામ અમુક વર્ષોથી શરૂ હતું. આ કામ પૂર્ણ થયા પછી, પ્રતિમાને નિર્ધારિત સ્થળે સ્થાપિત કરવામાં આવી છે. એમ છતાંય પ્રતિમાનું ઉદ્વઘાટન કરવાને બદલે ઢાંકીને રાખવામાં આવી છે. આ પ્રતિમા ઉભી કર્યા બાદ કોન્ટ્રેક્ટર દ્વારા તેનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવ્યું છે. પરંતુ, માલવણની ઘટના બાદ સાવચેતીના પગલારૂપે મહાનગરપાલિકા ફરીથી શિવરાયની પ્રતિમાનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવા જઈ રહી છે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકા જાહેર બાંધકામ વિભાગે જણાવ્યું હતું કે, ઓડિટ અને નાના પેન્ડિંગ કામ પૂર્ણ થયા બાદ જ પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવશે.