ગાંધીનગર:કેન્દ્રિય જલશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે 6 સપ્ટેમ્બરે સુરતથી જલસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ થવાનો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપવાના છે.કેન્દ્રિય જલશક્તિ મંત્રી સી. આર. પાટિલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી કાર્યક્રમમાં જોડાશે.
કેન્દ્રિય જલશક્તિ મંત્રાલય દ્વારા દેશના રાજ્યોમાં જળસંચય સંબંધિત કામગીરી માટે ‘કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ-વ્હેઈન ઈટ ફોલ્સ...’ થીમ સાથે 2021થી જળશક્તિ અભિયાન હાથ ધરાય છે.2024ના આ વર્ષમાં ‘નારીશક્તિ સે જલશક્તિ’ થીમ સાથે 9 માર્ચ 2024થી 30 નવેમ્બર 2024 સુધી જળશક્તિ અભિયાન યોજાઈ રહ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ બેઠક યોજીને અભિયાનને વ્યાપક સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રી એ રાજ્યમાં વરસાદી સ્થિતિની સમીક્ષા પણ આ કોન્ફરન્સ દરમ્યાન કરી હતી. તેમણે કહ્યું કે હવે જ્યારે વરસાદે વિરામ લીધો છે અને વરસાદી સ્થિતિમાંથી આપણે બહાર આવી રહ્યા છીએ ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સફાઈ લોકોની આરોગ્ય સુખાકારી, માર્ગોની તાકીદે મરામતને અગ્રતા અપાય, એટલું જ નહીં, સર્વે કરીને કેશડોલ્સ અને ઘરવખરી સહાયનું પણ ચૂકવણું અસરગ્રસ્તોને ત્વરાએ થાય તેને પ્રાધાન્ય આપીએ.મુખ્યસચિવ રાજકુમાર તેમજ મુખ્યમંત્રી ના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી , એમ કે દાસ તેમજ વરિષ્ઠ સચિવો આ વીડિયો કોન્ફરન્સમાં સહભાગી થયા હતા.

Previous
Article