વડોદરામાં મોડી સાંજે 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા,4નાં મોત, 29 વાહન દટાયા

વડોદરા/અમદાવાદ:રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેર ખાબકેલા ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. શહેરમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે, વડોદરામાં મોડી સાંજે 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા,4નાં મોત, 29 વાહન દટાયા. વડોદરામાં શહેરમાં બુધવાર મોડી સાંજે 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા 20 મિનિટમાં તબાહી મચી ગઇ. શહેરમાં 300થી વધુ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ ધરાશાયી થઈ ગયા. ગત 26 ઓગસ્ટે 12 ઇંચ વરસાદથી 13ના મોત અને 24 જુલાઇએ વરસેલા 7 ઇંચ વરસાદે શહેરને બાનમાં લીધું હતું.
વાતાવરણના નીચલા ભાગ પર પવનોના કારણે બનેલા નવા વાદળો અને અપર એર સર્ક્યુલેશનને કારણે વડોદરામાં બુધવારે મોડી સાંજે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. અનેક સ્થળોએ વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી હતી. એક રેસ્ટોરન્ટ પાસે આખે આખું કેબીન ઉડીને દૂર ફેંકાઈ ગયું ગયું હતું. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સાંજે 20 મિનિટ પવનની ઝડપ 110 કિમીએ જતા 300થી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે. જ્યુબિલીબાગ સહિત 3 સ્થળે વીજ થાંભલા પડ્યા હતાં. જ્યારે વાવાઝોડાને કારણે ચાર લોકોના મોત થયા છે. સાંજે 6થી રાતના 8 સુધીમાં 3 ઈંચ વરસાદ પડતાં ચાર દરવાજા સહિત 20થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતાં.
વડોદરા ફાયર વિભાગમાં મળેલા કોલ મુજબ સવારે 6 વાગ્યા સુધીમાં 150 ઝાડ કટિંગની કામગીરી પૂર્ણ કરેલી છે. હજુ પણ શહેરમા એનેક જગ્યાએ ઝાડ પડેલા છે. અત્યાર સુધીમાં 14 કાર, 14 ટુ-વ્હીલર, 1 રિક્ષા મળી કુલ 29 વાહનોને નુકસાન થયું છે. ત્યારે શહેરમા હજુ પણ કેટલીય જગ્યાએ ઝાડ પડ્યા છે. સાથે આવાં વિસ્તારોમાં હજુ વીજ પુરવઠો ખોરવાયેલો છે. શહેરના જુનીગઢી વિસ્તારમા ઝાડ પડવાથી ત્રણ દુકાનોને નુકસાન પહોંચ્યું છે. સાથે વીજ પોલ ધરાશાયી થતા વીજ વાયરો તૂટી પડ્યા છે અને આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. સ્થાનિકોની માગ છે કે, અમે છેલ્લા કેટલાય કલાકોથી વીજ વિભાગ અને ફાયર વિભાગને જાણ કરી છે છતાં પણ કોઈ અહીંયા આવ્યું નથી.
પ્રચંડ વાવાઝોડાના કારણે વડોદરા શહેરમાં એક 24 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે, તો જિલ્લામાં પાદરામાં પણ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સાથે જિલ્લાના પાદરામાં કિરણસિંહ છત્રસિહ રાઠોડ ગઈકાલે સાંજે પોતાની બાઈક લઈ જતા હતા તે દરમિયાન પાદરા અંબાશકરી નજીક રોડ ઉપર નીલગીરીનું મોટુ ઝાડ માથા પર પડતા ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. તો બીજી તરફ શહેરના કપુરાઇ નજીક મૂળ વરાછા સુરતના 45 વર્ષીય જગદીશ હીરપરા પોતાની કાર લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન વિશાળ બોર્ડ તેના પર ધરાશાયી થતા
આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, વડોદરા શહેરમાં ગરબા આયોજકો દ્વારા ગરબાનું ગ્રાઉન્ડ તૈયાર કરી આખરી ઓપ અપાઇ રહ્યો છે. તેવામાં 3 ઈંચ વરસાદમાં ગ્રાઉન્ડમાં પાણી ભરાય જતા કાદવ થઈ ગયો હતો. જ્યારે મેદાનને કોર્ડન કરેલા પતરાં પણ ઉડી ગયા હતાં. કેટલાક ગરબા મેદાનો પર તોરણ સહિતનું જે પણ ડેકોરેશન કર્યું હતું તેને પણ નુકસાન થયું હતું. આમ આયોજકોને ફરીથી તૈયારી કરવાનો વારો આવ્યો છે.
ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ઝાડ-થાંભલા પડવાની ઘટનાઓ સામે આવી છે, સયાજી હોસ્પિટલની નવી લાઈબ્રેરીની તથા ઓડિટોરીયમની સોલાર પેનલ તૂટીને નીચે પડી હતી. જ્યારે નવાપુરા વિસ્તારમાં ક્રિષ્ના ટાવરના ટેરેસ પરની સોલાર પેનલો પણ 10મા માળેથી નીચે પડી હતી.
What's Your Reaction?






