સોમનાથમાં સૌથી મોટું ડિમોલિશન, ધાર્મિક સ્થળો સહિતનાં દબાણો દૂર કરવાની શરૂઆત,70 લોકોની અટકાયત

સોમનાથમાં સૌથી મોટું ડિમોલિશન, ધાર્મિક સ્થળો સહિતનાં દબાણો દૂર કરવાની શરૂઆત,70 લોકોની અટકાયત

સોમનાથ/અમદાવાદ :12 જ્યોતિર્લિંગમાંના પ્રસિદ્ધ જગવિખ્યાત સોમનાથ મંદિર નજીક આજે વહેલી સવારથી પ્રશાસન દ્વારા સોમનાથનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, સોમનાથ મંદિર નજીક ત્રણથી વધુ જેટલાં ધાર્મિક સ્થળો સહિતનાં અસંખ્ય દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં જેસીબી, હિટાચી મશીનો, ડમ્પરો સહિતનાં સાધનો સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ઈતિહાસના સૌથી મોટું કહી શકાય એવા આ મેગા ડિમોલિશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયા, એસપી મનોહરસિંહ જાડેજા સહિતના મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી સ્થળ ઉપર હાજર રહી ડિમોલિશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યાં છે. શહેરમાં શાંતિ બની રહે એ માટે જોડિયા શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઇન્ટો પર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો.

ગત રાત્રિથી સોમનાથ મંદિર આસપાસનાં ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતાં મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. એ પરિસ્થિતિને લઈ તંત્રએ રાત્રિના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડ્યા હતા. બાદમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઇ.જી નિલેશ ઝાંઝડિયા, પોલીસવડા મનોહરસિંહ જાડેજા ઉપરાંત સહિત ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર ત્રણ જિલ્લાનો 1200 જવાનના પોલીસ સ્ટાફ ઉપરાંત બે એસઆરપી કંપનીનો બંદોબસ્ત તહેનાત કરી કામગીરી શરૂ કરાવી હતી.

આજે સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનની વહેલી સવારે પાંચ વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહીમાં 30 જેસીબી, 5 હિટાચી, 50 ટ્રેક્ટર અને 10 ડમ્પર સહિતનાં સાધનો મારફત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ ત્યારે 70થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ કામગીરી વેળાએ વહીવટી રેવન્યુ, વીજ, પીડબ્લ્યુડી સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સ્ટાફને પણ સ્થળ ઉપર તહેનાત કરવામાં આવ્યા છે.

આ ડિમોલિશનની કામગીરીને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે સવારથી જ દબાણોવાળાં સ્થળને ચારેય તરફથી પોલીસ છાવણીમાં ફેરવી કોર્ડન કરી દેવામાં આવ્યાં હતાં, જેમાં ભીડિયા સર્કલ તથા સોમનાથના ગુડલક સર્કલના બન્ને તરફના એન્ટ્રી પોઈન્ટો તથા રસ્તા પર ઠેર-ઠેર બેરિકેડ્સ મૂકીને પોલીસ સ્ટાફ તહેનાત કરીને લોકોની અને વાહનોની અવરજવર બંધ કરાવી છે. વેરાવળ-સોમનાથ શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટો ઉપર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow