અંગદાન: બ્રેઈનડેડ સુનીતાબેનના હૃદય, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી 5 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી : દાનમાં મળેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરના 44 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું

અંગદાન: બ્રેઈનડેડ સુનીતાબેનના હૃદય, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી 5 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી : દાનમાં મળેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરના 44 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું

મુંબઈ: સુરતના ડોનેટ લાઈફના માધ્યમથી બ્રેઈનડેડ 44 વર્ષના સુનીતાબેન કિરણકુમાર રજવાડીના હૃદય, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી 5 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને એક નવી દિશા આપી છે.

ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાના જણાવ્યા અનુસાર, ગુજરાતના ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં રહેતા સુનીતાબેનને 18 ઓગસ્ટ રવિવારના સાંજે 7:3૦ કલાકે ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક અંકલેશ્વરમાં આવેલ નિત્યાનંદ હોસ્પીટલમાં દાખલ કર્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે તેમને સુરતની કિરણ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં ન્યુરોસર્જને ક્રેન્યોટોમી કરી મગજમાં જામી ગયેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. થોડા દિવસોની સારવાર બાદ સુનીતાબેનને અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા. 31 ઓગસ્ટ ના ન્યુરોસર્જન ડૉ. જયપાલસિંહ ગોહિલ, ડેપ્યુટી મેડીકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. આત્મી ડેલીવાલા, ફીઝીશીયન ડૉ. ઝયનાબ હાસમી, મેડીકલ ઓફિસર ડૉ. તુષાર પાટીલે સુનીતાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા. ડૉ. આત્મી ડેલીવાલાએ ડોનેટ લાઈફનો ટેલીફોનીક સંપર્ક કરી સુનીતાબેનના બ્રેઈનડેડ અંગેની અને પરિવારજનોએ તેમના અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી છે તેમ જણાવ્યું. ડોનેટ લાઈફની ટીમે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ પહોંચી સુનીતાબેનના પુત્ર આકાશ, ભાઈ નીલેશ વસાવા, બહેન ક્રિસ્ટીના વસાવા, બનેવી નરેન્દ્રભાઈ વસાવા અને પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

શું કહ્યું પરિવારજનોએ?

સુનીતાબેનના 22 વર્ષના પુત્ર આકાશે જણાવ્યું કે, અમે વારંવાર વર્તમાનપત્રોમાં અને ટીવી ઉપર અંગદાન અંગેના સમાચારો વાંચતા તેમજ જોતા હતા. ત્યારે અમે વિચારતા હતા કે અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે, મારી માતા બ્રેઈન ડેડ છે, શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે મારી માતાના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો.

જુદી જુદી હોસ્પિટલોમાં ડોનેટ કરાયેલા ઓર્ગન સફળતાપૂર્વક પહોચ્યાં

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલને, એક કિડની અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પીટલને અને બીજી કિડની અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં આવી. હૃદયનું દાન યુ. એન. મહેતા હોસ્પિટલના ડૉ. કાર્તિક પટેલ, ડૉ. વિદુર બંસલ, ડૉ. મૃગેશ પ્રજાપતિ, ડૉ. હિરેન બોરનીયાએ સ્વીકાર્યું. લિવર અને કિડનીનું દાન અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના ડૉ. યશ પટેલ, ડૉ. પ્રથાન જોશી, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓડીનેટર રાજુ ઝાલાએ સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જી.સી નહાર આઈ બેન્કે સ્વીકાર્યું.

હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં કરાયું

દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરના રહેવાસી ૪૪ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પીટલમાં ડૉ. ચિરાગ દોશી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવર અને એક કિડનીનું Dual ટ્રાન્સપ્લાન્ટ દિલ્હીના રહેવાસી ઉ.વ ૪૭ વર્ષીય વ્યક્તિમાં, અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં ડૉ. આનંદ ખખ્ખર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. એક જ દર્દીમાં બે અંગોનું ટ્રાન્સપ્લાન્ટ એક સાથે કરવાનું ખુબ જ જટીલ હોય છે. ઝાયડસ હોસ્પિટલમાં આ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટની આ પાંચમી ઘટના છે. બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની હોસ્પિટલમાં એક જરૂરીયાતમંદ વ્યક્તિમાં કરવામાં આવશે.

સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 120 ગ્રીન કોરીડોર બનાવાયા

હૃદય સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર ભરૂચ શહેર પોલીસ, સુરત ગ્રામ્ય અને સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૨૦ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow