દક્ષિણ ગુજરાતના વ્યારામાં સવા આઠ ઈંચ ખાબકતાં પાણી જ પાણી

દક્ષિણ ગુજરાતના વ્યારામાં સવા આઠ ઈંચ ખાબકતાં પાણી જ પાણી

અમદાવાદ:હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એને કારણે 27 અને 28 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની સંભાવના છે. એને કારણે આ સમયગાળા દરમિયાન માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ફરીથી રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે.

મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ઘટાટોપ વાદળો છવાઈ ગયા છે અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, સવારથી અમદાવાદમાં અંધારપટ્ટ છવાઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, સરખેજ, શિવરંજની, નવા વાડજ, ચાંદલોડિયા, બોપલ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારામાંથી રાહત અનુભવી છે.

વરસાદે નવરાત્રિના આયોજકોની ચિંતા વધારી દીધી છે. હવે સાત જ દિવસ નવરાત્રિને આડે છે, ત્યારે ઓપન પ્લોટની અંદર જે લોકોએ નવરાત્રિનું આયોજન કર્યું છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. જો આ રીતે હજુ બે કે ત્રણ દિવસ વરસાદ વરસે તો ખુલ્લા પ્લોટની અંદર જે નવરાત્રિનું આયોજન થયું છે ત્યાં ગરબાનું આયોજન કરવું મુશ્કેલ બની શકે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow