નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35-એ હટાવવાના મુદ્દે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનના નિવેદન પર કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, “આ નિવેદનથી કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે અને તેણે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધી છે કે, કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક જ છે.”
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની એન્કર સાથે વાત કરતા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે, “કલમ 370ના મુદ્દે પાકિસ્તાન, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ એક જ પેજ પર છે.”
અમિત શાહે એક એક્સ-પોસ્ટમાં કહ્યું કે, “કલમ 370 અને 35-એ બાબતે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના સમર્થનની પાકિસ્તાનના રક્ષા મંત્રીની વાતે, ફરી એકવાર કોંગ્રેસનો પર્દાફાશ થયો છે. છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી ભારત વિરોધી શક્તિઓ સાથે ઊભા છે.”
તેઓએ વધુમાં ઉમેર્યું, “એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાની માંગણી હોય કે પછી ભારતીય સેના વિશે વાંધાજનક ટીપ્પણી કરવી હોય, રાહુલ ગાંધી, કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન હંમેશા એક જ પેજ પર રહ્યા છે. કોંગ્રેસનો હાથ હંમેશા દેશ વિરોધી શક્તિઓ સાથે રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન ભૂલી જાય છે કે, કેન્દ્રમાં મોદી સરકાર છે, તેથી કાશ્મીરમાં ન તો કલમ 370 પાછી આવવાની છે અને ન તો આતંકવાદ આવશે.”
Previous
Article