વડાપ્રધાન મોદી, અમેરિકી રાષ્ટ્રપતિના ઘરે પહોંચ્યા, બાઈડેને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

વોશિંગ્ટન, નવી દિલ્હી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી, મીટિંગ માટે ડેલાવેયરમાં બિડેનના ઘરે પહોંચ્યા હતા. અહીં બિડેને પીએમ મોદી સાથે હાથ મિલાવ્યા હતા અને બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવીને શુભેચ્છા પાઠવી હતી. અમેરિકી પ્રમુખ જો બાઈડેને તેમના નિવાસસ્થાન ગ્રીનવિલે, ડેલાવેયર ખાતેની બેઠક બાદ સોશિયલ સાઈટ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ભારત સાથે યુનાઈટેડ સ્ટેટ્સની ભાગીદારી ઈતિહાસમાં કોઈપણ સમય કરતાં વધુ મજબૂત, નજીકની અને વધુ ગતિશીલ છે, વડાપ્રધાન મોદી અને હું જયારે પણ સાથે બેસીએ છીએ ત્યારે, સહકારના નવા ક્ષેત્રો શોધવાની અમારી ક્ષમતાથી હું આશ્ચર્યચકિત છું". બંને નેતાઓની બેઠક દરમિયાન ચર્ચાનો ઉદ્દેશ્ય વેપાર, સંરક્ષણ અને પ્રાદેશિક સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનો છે. જો કે આ દ્વિપક્ષીય બેઠકમાં ચીન અને રશિયા વચ્ચે પણ ચર્ચા થવાની આશા છે. તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી શનિવારે ત્રણ દિવસની મુલાકાતે અમેરિકાના ફિલાડેલ્ફિયા પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ ડેલાવેયર પહોંચ્યા, તેઓ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયા ના એન્થોની અલ્બેનીઝ તથા જાપાનના ફ્યુમિયો કિશિદા સાથે અહીં ક્વાડ સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી, રવિવારે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં પ્રવાસી સમુદાયને સંબોધિત કરશે અને બાદમાં બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. સોમવારે તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં 'ભવિષ્યના શિખર સંમેલન'માં ભાષણ આપશે અને વતન જવા રવાના થશે.
What's Your Reaction?






