દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં છેલ્લા 24 કલાકમાં 18.16 ઇંચ વરસાદ: ઠેર-ઠેર પાણી ભરાયાં
દ્વારકા: ગુજરાતના દ્વારકામાં 43 સેમી અને જામનગરમાં 38 સેમી વરસાદ રેકોર્ડ થયો છે જે અસામાન્ય ભારે વરસાદ છે. 10 જગ્યાએ અત્યંત ભારે વરસાદ રેકોર્ડ નોંધાયો છે.ગુજરાતમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની સાથે અસામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજ્યમાં જે ડીપ ડિપ્રેશન બનેલું હતુ તે આજે ભૂજથી 50 કિમી દૂર છે. આ સિસ્ટમ કલાકના 12 કિ.મી. પ્રતિ કલાકની ગતિથી આગળ જઇ રહ્યુ છે. આ સાથે તેમણે બે દિવસ માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકાને એકવાર ધમરોળ્યા બાદ આજે સિઝનમાં બીજીવાર મેઘરાજાએ ફરી બેટિંગ ચાલુ કરી દીધી છે. જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખંભાળિયા તાલુકામાં 18.16 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકામાં 10 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દ્વારકાના તોતાદ્રી મઠ, આવળપરા, ભદ્રકાલી ચોક જેવા અનેક વિસ્તારોમાં દુકાનો, ઘરોમાં ફરી વખત વરસાદી પાણી ફરી વળતાં મોટું નુકસાન થયું છે.
ઠેર-ઠેર છાતી સમાં પાણી ભરાયાં દ્વારકા જિલ્લો સિઝનમાં બીજીવાર પાણીમા ડૂબ્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે ખંભાળિયામાં 18.16 ઇંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયાં છે. જ્યારે દ્વારકામાં 10 ઇંચ જેટલા ખાબકેલા વરસાદને પગલે ભદ્રકાલી ચોક, ઈસ્કોન ગેટ અને દ્વારકા મંદિર સંચાલિત આરામગૃહ વિસ્તાર વરસાદી પાણી ભરાવાથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. લોકોનાં ઘરોમાં પણ પાણી ગયા હોવાથી ઘરવખરીને નુકશાન થયું છે.
જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલા આંકડા મુજબ જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં 18.16 ઇંચ, ભાણવડ તાલુકામાં 10.72 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 10.40 ઇંચ તેમજ દ્વારકા તાલુકામાં 10.04 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીનો વરસાદ તો ખંભાળિયા તાલુકામાં 74.80 ઇંચ, દ્વારકા તાલુકામાં 70.15 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 65.90 ઇંચ અને ભાણવડ તાલુકામાં 44.13 ઇંચ વરસાદ નોંધાયો છે.
What's Your Reaction?






