અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનું ગુંડારાજ: યુવકનું અપહરણ કરીને માર માર્યો, પોલીસની કામગીરી પર સવાલ

અમદાવાદ :અમદાવાદ શહેરમાં અસામાજિક તત્ત્વોનું ગુંડારાજ દિવસેને દિવસે વધી રહ્યું છે. શહેરના રખિયાલ વિસ્તારમાં યુવકનું અપહરણ કરી ઢોર માર મારવાની ઘટના સામે આવતાં પોલીસના કાપા ઊડી ગયા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ચાર શખ્સો એક યુવક પર લાકડી અને ધોકા વડે હિંસક હુમલો કરી તેને જાત સાથે લઇ જતા નજરે પડે છે.
ઘટનાની વિગત
પ્રાપ્ત માહિતી અનુસાર, રખિયાલ વિસ્તારમાં ચાર શખ્સોએ યુવક સાથે અગાઉની વ્યક્તિગત અદાવતને લઈ હુમલો કર્યો હતો. હુમલાનું કારણ પર્સનલ વિવાદ હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ તીક્ષ્ણ હથિયારો બતાવી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ પણ કરી છે.
ત્રણ દિવસ પહેલા પણ રખિયાલમાં તલવારથી આતંક
આ ઘટના પહેલાની પણ છે — 14 એપ્રિલ, સોમવારના રોજ રખિયાલ વિસ્તારમાં અજિત મિલ ચાર રસ્તા નજીક 7 થી 8 શખ્સોની ટોળકી તલવાર, લાકડી, પાઈપ અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે ઘરમાં ઘૂસી ગઈ હતી અને આતંક મચાવ્યો હતો. એ ઘટનામાં પણ સામાજિક પ્રસંગમાં થયેલી બોલાચાલી બાદ હુમલો થયો હતો. પોલીસે કાર્યવાહી કરતાં 6 પુખ્ત અને 1 સગીર આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ તંત્ર સામે સવાલ
આ વર્ષે છેલ્લા કેટલાંક મહિનાઓમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં અસામાજિક તત્ત્વોએ ખુલ્લેઆમ શસ્ત્રો વડે ધમકી, હુમલાઓ અને ત્રાસ મચાવ્યો છે. પોલીસની હાજરીમાં આવા આતંક વધતા લોકોના મનમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોમાં આક્રોશ છે કે પોલીસ તંત્ર અપ્રભાવી બની ગયું છે અને પોલીસની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.
What's Your Reaction?






