વસઈ ભાઈંદર રેલવે સ્ટેશન પર પોલીસની સાતરકતા, સુરક્ષા પદ્ધતિમાં સુધારો

મુંબઈ:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વસઈ રેલવે પોલીસ તંત્ર પણ એલર્ટ થયું છે. વસઈ રેલવે પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં આવતા દરેક રેલવે સ્ટેશન પર પેટ્રોલીંગ વધારીને સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. રેલવે પ્રવાસીઓના સામાનથી લઈને પ્રવાસીઓની અવર-જવર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
વસઈ રેલવે પોલીસ મથકના 31 કિલોમીટરની હદમાં મીરા રોડથી વૈતરણા સુધીના સાત રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ સ્ટેશન પરથી મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં દિવસેને દિવસે ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને વૈતરણા સ્ટેશનને બાદ કરતાં વિરાર, નાલાસોપારા, નાયગાંવ, વસઈ, ભાયંદર, મીરા રોડ સૌથી વધુ ભીડવાળા સ્થળો છે. આ સ્ટેશન પરથી દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે.
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 27 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ ઘટના બાદ સાર્વજનિક સ્થળો પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. આ પૃષ્ઠભૂમિમાં, વસઈ રેલવે પોલીસે પણ તમામ સાત રેલવે સ્ટેશનો પર પેટ્રોલિંગ વધારી દીધું છે.
આ વિશે રેલવે પોલીસે માહિતી આપી છે કે, પ્રવાસીઓના બેગ ચેક કરવા માટે ભીડભાડવાળી જગ્યાએ પોલીસ તૈનાત કરવી, સ્ટેશન પર હિલચાલ પર નજર રાખવી, રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા લોંગ માર્ચ કાઢીને મુસાફરોમાં સુરક્ષાની ભાવના ઉભી કરવી, સીસીટીવી દ્વારા હિલચાલ પર નજર રાખવી, મુસાફરોના રૂટ અને સીડીઓ પર પેટ્રોલીંગ કરવું અને મુસાફરોમાં જાગૃતિ લાવવા જેવી પ્રવૃત્તિઓ તાત્કાલિક અમલમાં મૂકવામાં આવી રહી છે. વસઈ અને વિરાર રેલવે સ્ટેશનો પર વધુ તપાસ કરવામાં આવી રહી છે જ્યાં લાંબા અંતરની ટ્રેનો હોલ્ટ કરે છે.
રેલવે સ્ટેશન પર ખાદ્ય વિક્રેતાઓ (કેન્ટીન ઓપરેટર્સ), રેલવે સેનિટેશન વર્કર્સ, શૂ પોલિશર્સ અને હમાલનો સંપર્ક કરીને રેલવે સ્ટેશન પર થતી ઘટનાઓ વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. રેલવે પોલીસે તેમને સ્ટેશન પર કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ, વ્યક્તિઓ અથવા અન્ય વસ્તુઓની તાત્કાલિક જાણ કરવા સૂચના આપી છે.
વસઈ રેલવે પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના રેલવે સ્ટેશનમાંથી મોટી સંખ્યામાં મુસાફરો પ્રવાસ કરે છે. પોલીસે પ્રવાસીઓને આવાહન કર્યું છે કે, જો તેઓને મુસાફરી દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય તો તે સ્થળ પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ અથવા રેલવે ઓફિસને તાત્કાલિક જાણ કરે.
આતંકવાદી હુમલા બાદ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર દરેક રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સ્ટેશન પર શંકાસ્પદ ગતિવિધિઓ અને હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.
ભગવાન ડાંગે, વસઈ રેલવે મથકના વરિષ્ઠ રેલવે પોલીસ ઈન્સ્પેક્ટર
What's Your Reaction?






